અમદાવાદ:થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દારૂ જુગારની સાથે ડ્રગ્સની બદીને દૂર કરવા માટે ખાસ સૂચનો તમામ પોલીસ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. તેવામાં શહેરના મધ્યમાં આવેલા કારંજ વિસ્તારમાંથી ઝોન 2 એલસીબીની ટીમે 41 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે દરિયાપુરના મોહંમદ શાહીદ કુરેશી નામનાં 40 વર્ષીય ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર: પોલીસ દ્વારા અપાયેલા પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ઝોન 2 એલસીબીના પીએસઆઇ આઈ.ડી પટેલ પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુસ્તુફા ખાન સરદારખાન તેમજ રાજેન્દ્ર કુમાર કાંતિલાલ સંયુક્ત બાતમી મળી હતી. જેના આધારે કારંજમાં એચ.પી પેટ્રોલપંપની પાસે જાહેર રોડ પરથી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 41 ગ્રામ એમ.ડી ડ્રગ્સ, એક્સેસ ટુ-વ્હીલર, મોબાઈલ ફોન અને ડિજિટલ કાંટો તેમજ રોકડ રકમ સહિત 4.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ગુનાહિત ભૂતકાળ: આ મામલે આરોપી સામે કારંજ પોલીસ મથકે એનડીપીએસની કલમ હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો છે. આરોપીની તપાસ કરતા તે ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું ખુલ્યું છે. અગાઉ તે નવરંગપુરા, કાગડાપીઠ, સરદાર નગર, મણીનગર, સેટેલાઈટ, ધાટલોડિયા, દાણીલીમડા, ઓઢવ, બાપુનગર, વસ્ત્રાપુર, પાલડી, હવેલી , આનંદનગર સહિતના કુલ 17 ગુનામાં અલગ અલગ સમયે ઝડપાયો છે.
ગ્રાહકોને આટલા રૂપિયામાં વેચતો:આરોપી લાંબા સમયથી ડ્રગ્સ લાવીને એક ગ્રામ ડ્રગ્સ 1500 થી 2 હજાર રૂપિયામાં ગ્રાહકોને વેચતો હતો. આ મામલે ઝડપાયેલા આરોપી મહંમદ શાહીદ કુરેશી આ ડ્રગ્સ કોની પાસેથી લાવતો હતો અને કયા કયા વિસ્તારના ગ્રાહકોને વેચતો હતો, તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીનો મોબાઈલ ફોન કબ્જે કરી કોલ ડિટેઈલ કઢાવી આ મામલે ગુનામાં સામેલ અન્ય આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
- Ahmedabad Crime News: દારુબંધીવાળા ગુજરાતમાં પોલીસે ઝડપ્યું દારુનું આખું ગોડાઉન, વાનમાં થતી હતી દારુની હેરાફેરી
- Children are going missing in Jamnagar : જામનગરમાંથી વધુ બે બાળકો થયા ગુમ, ભણતરનો ભાર કે બીજું કંઇ કારણભૂત?