નિત્યાનંદ આશ્રમને ટોકન પર ભાડે જમીન આપીને DPS સ્કૂલે નિયમનું ઉલ્લંઘન કર્યું - રાજ્યના શિક્ષણ વિભાગ
અમદાવાદ: શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલ DPS સ્કૂલના મેદાનમાં નિત્યાનંદ આશ્રમ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં રાજ્યના શિક્ષણ અગ્ર સચિવે DPS સ્કૂલ મુદ્દે શનિવારે નિવેદન આપ્યું હતું કે, DPS શાળાની સંપૂર્ણ જમીન સ્કૂલ કે, ટ્રસ્ટના નામે નથી, પરંતુ એક ખેડૂતના નામે છે. જ્યારે આ બાબતે હવે અમદાવાદ કલેક્ટરે નિવેદન આપ્યું છે કે, DPS દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં 300 ટકા પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં 25 ટકા પ્રીમિયમ લઈને DPS સ્કૂલને NA સર્ટી આપવામાં આવ્યું હતું. જેમાં તમામ શરતો મુકવામાં આવી હતી. જ્યારે શાળા ક્યારેય કોઈ ધાર્મિક સંસ્થાને ટોકન રૂપે અથવા તો સ્કૂલ કેમ્પસમાં અન્ય ધાર્મિક પ્રવૃત્તિ ના કરવા દે પરંતુ, DPS સ્કૂલ દ્વારા નિત્યાનંદ આશ્રમને ટોકન ભાડે જમીન આપી તે શરતનો ભંગ કર્યો છે. જેમાં શરતભંગ બદલ મામલતદારે નોટિસ આપી છે. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા નિયમોના ભંગ બદલ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જરૂર પડશે તો જંત્રીના 300 ટકા લેખે દંડની જોગવાઈ કરવામાં આવશે. તેવું નિવેદન અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ આપ્યું હતું.