અમદાવાદ: હાઈકોર્ટે આપેલા મહત્વના આદેશમાં નોંધ્યું છે કે, શું રાજ્યના આરોગ્ય પ્રધાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, દર્દીઓ, નર્સ કઈ હાલાકીનો સામનો કરી રહ્યાં છે, તેનો અંદાજ છે. આરોગ્ય પ્રધાનએ કેટલીવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને તેના મેડિકલ ઓફિસર સાથે સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરી છે.
શું આરોગ્ય પ્રધાનને સિવિલની વર્તમાન સમસ્યાનો અંદાજ છે?: હાઈકોર્ટ - આરોગ્ય પ્રધાન નીતિન પટેલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શહેરની કુલ મોતના 62 ટકા મૃત્યુ અને ચાલતી લાલીયાવાડી અંગે ચિંતા વ્યક્ત કરતા હાઈકોર્ટે નોંધ્યું હતું. સિવિલના સંચાલનની માહિતી મેળવવા રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલને હોસ્પિટલની કેટલીવાર મુલાકાત લીધી છે. શું આરોગ્ય પ્રધાનને સિવિલ હોસ્પિટલની વર્તમાન સમસ્યાનો અંદાજ છે?
શું આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વર્તમાન સ્થિતિ અને સમસ્યા અંગેનો ખ્યાલ છે?. શું તંત્રને ખબર છે કે વેન્ટિલેટરના અભાવને લીધે દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામી રહ્યાં છે? રાજ્ય સરકાર આ સમસ્યાઓનું કઈ રીતે નિવારણ લાવશે તે જણાવે.
હાઇકોર્ટે મહત્ત્વના આદેશમાં નોંધ્યું છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપવાની જરૂર હતી. જોકે અત્યારે એક કેદ-ખાના સમાન બની ગયું છે. દુર્ભાગ્ય રીતે ગરીબ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને આગામી મુદ્દત સુધીમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને જો તેનાથી સંતોષ ના થાય તો હાઇકોર્ટ વિડિયો કોન્ફરન્સિંગ મારફત અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓ, ડોક્ટર, સ્ટાફ સાથે વાતચીત કરશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર અને અન્ય અનુભવી સ્ટાફ દર્દીઓની સારવાર માટે આવતા નથી. આ અંગેની વિગતોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે જે ડોકટર કે અન્ય સ્ટાફના સભ્યો કટોકટીના સમયમાં ફરજ પર હાજર ન રહે રાજ્ય સરકાર તેમને તાત્કાલિક ધોરણે અન્ય સ્થળ પર ટ્રાન્સફર કરવાનો અને તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવાનો આદેશ કર્યો છે. આવા સંકટના સમયમાં કોઈપણ પ્રકારની લાલિયાવાડી કે ઢીલ ચલાવી લેવાશે નહીં.
અમદાવાદમાં કોરોના દર્દી સંખ્યા વધી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા યુ એન મહેતા હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓને સારવાર આપવા માટે દાખલ કરવામાં આવે છે. હાઈકોર્ટે જૂની વી.એસ.હોસ્પિટલને ફરીવાર પુનર્જીવિત કરી તેમાં 700 જેટલા બેડની વ્યવસ્થા કરી સારવાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારને ભલામણ કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જે સ્થિતિ છે, તેની તપાસ માટે હાઈકોર્ટે ત્રણ સિનિયર મેડિકલ ઓફિસરની કમિટીની રચના કરી છે, જે આ અંગેની તપાસ કરશે.
ગુજરાતમાંથી વતન પરત જતા શ્રમિકોની મદદ કરવા માટે રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના કર્મચારીઓને આદેશ કર્યો હતો. જોકે તેમણે આદેશની અવગણના કરતા હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, આવા કટોકટીના સમયમાં કોઈ સરકારી કર્મચારી સરકારી આદેશની અવગણના કઈ રીતે કરી શકે. જે કર્મચારીઓ શ્રમિકોની મદદ કરવામાં તૈયાર ન થાય તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે.