વેરાવળના ડોક્ટરે કરી હતી આત્મહત્યા અમદાવાદઃવેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. તબીબના પરિવારે વેરાવળ પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે. હજી સુધી કોઈ કાર્યવાહી ન કરાતા સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ડોક્ટરના પરિવારે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમપ્ટ ઑફ કોર્ટની અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા કરવા મજબૂર કરનારા લોકો વિરૂદ્ધ પગલાં લેવા આ અરજી કરવામાં આવશે.
આ પણ વાંચોઃGir Somnath Crime News : ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા
વેરાવળના ડોક્ટરે કરી હતી આત્મહત્યાઃ આપને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. ડોક્ટરે સ્યુસાઈડ નોટમાં 2 વ્યક્તિના કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાની નોંધ લખી હતી, જેમાં રાજેશ ચુડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ હતો.
સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખઃ અરજદારના વકીલ ચિરાગ કકકડે જણાવ્યું હતું કે, વેરાવળના ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી. તેમણે સ્યુસાઈડ નોટ પણ લખી હતી, જેને પોલીસે ત્યાંથી કબજે કરી હતી. આ નોટમાં જૂનાગઢ ભાજપના લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈ ચુડાસમાના નામ સામે આવ્યા છે. આ નામને જોઈને જ પોલીસ કોઈ એક્શનમાં નથી. આ લોકોના નામ સામે આવ્યા પછી પોલીસ પર રાજકીય દબાણ આવી ગયું હોય તેવું લાગે છે અને કોઈ પણ ઠોસ કામગીરી દેખાય રહી નથી.
આ પણ વાંચોઃVeraval Doctor Suicide: ડો. ચગ આત્મહત્યા કેસમાં પોલીસની કામગીરીથી લોહાણા સમાજ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન
શું છે સમગ્ર મામલો?:આ સમગ્ર કેસની વિગત જોઈએ તો, વેરાવળના ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા મામલે પોલીસને કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં પોલીસે હજી સુધી FIR પણ નોંધી નથી એવું પણ પરિવારે કહ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાને જો સામેલ ન કરાતા પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમપ્ટ ઑફ કોર્ટની અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આવતીકાલ સુધીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અરજીની પ્રક્રિયા આગળ વધી શકે છે ત્યારબાદ કોર્ટની શું કાર્યવાહી રહેશે તેનો ખ્યાલ આવશે.