અમદાવાદ : ગુજરાતમાંથી સૌ પ્રથમવાર દિવ્યાંગ બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા ભારતીય સંસ્કૃતિના સંગીત અને નૃત્યો દ્વારા વિદેશની અંદર પ્રચાર કરવાનું કાર્ય કરી રહી છે, ત્યારે વિદેશની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા આ વખતે દિવ્યાંગ બાળકો થાઇલેન્ડની અંદર ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે. કદાચ ગુજરાતમાંથી પહેલી વાર દિવ્યાંગ બાળકો દ્વારા વિદેશની ધરતી પર ભારતને વિશ્વ ફલક ઉપર રીપ્રેઝન્ટ કરશે એવું બનશે.
બાળકોની બે મહિનાથી પ્રેક્ટિસ : આ સમગ્ર કાર્યક્રમ બાબતે રંગસાગર પર્ફોમિંગ આર્ટસના ડિરેક્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, આમ તો અમે દર વર્ષે પ્રોફેશનલ ડાન્સ ગ્રુપને તો લઈ જઉ છું. પણ આ વખતે અમે દિવ્યાંગ બાળકોને લઈ જવાના છીએ. અમારી સાથે થાઈલેન્ડમાં પરફોર્મ કરવા માટે કુલ 10 દિવ્યાંગ બાળકો છેલ્લા બે મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ભારતની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ : નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર નિલેશ પંચાલે જણાવ્યું હતું કે, આવા બાળકોને આપણે એમની અંદર પડેલી કલાને બહાર લાવવી જોઈએ, આ દિવ્યાંગ બાળકો છે. આ વાતને ધ્યાનમાં લઈને રંગસાગર દ્વારા ગુજરાતમાંથી પહેલીવાર ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ બાળકો સાથે એમના વાલીઓ પણ ફેસ્ટિવલની અંદર પોતાના બાળકનો ઉત્સાહ વધારવા ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં 10 દિવ્યાંગ બાળકો દ્વારા દેશનું નામ રોશન કરવામાં આવશે. આ ફેસ્ટિવલની અંદર ગણેશ સ્તુતિ, ગરબા, રાજસ્થાની ડાન્સ કરવામાં આવશે. જેની છેલ્લા 2 મહિનાથી તૈયારી ચાલી રહી છે. જે 25થી 28 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. જ્યાં તેઓ આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મૂકશે જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.