અમદાવાદઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવી સિરિયલ બની ગઈ છે જે લોકો જોતા થાકતા નથી. સતત જોવા છતાંય તેમનું મન ભરાતું નથી. આવા કપરા સમયમાં જ્યારે લોકોને પોઝિટિવિટી ની જરૂર છે ત્યારે આ સિરિયલ દ્વારા લોકોને હાસ્ય મનોરંજન મળે છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના નિર્માતા આસિત મોદીનો સંદેશઃ ઘરમાં જ રહીને બંદગી કરો
ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. ભારતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં 3 મે સુધી લૉકડાઉન તો છે જ પણ અમદાવાદ, સૂરત અને રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર રેડ ઝોનમાં કરફ્યૂ પણ નાંખવામાં આવ્યો છે. આ સંજોગોમાં લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા આસિત મોદી Etv Bharatના માધ્યમથી વિશેષ સંદેશ આપ્યો હતો.
આ સિરિયલના નિર્માતા આસિત મોદીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,' લોકોને નમ્ર વિનંતી છે કે ઘરમાં જ રહેજો અને પરિવાર સાથે જ તમારો સમય વિતાવજો. આ વાઇરસની મહામારી છે જેમાંથી આપણે બધાએ સાથે મળીને બહાર નીકળવાનું છે. તેનો એક જ વિકલ્પ છે ઘરે રહેવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. સરકાર દ્વારા આપેલા સૂચનોનું આપણે બધાએ પાલન કરવું જોઈએ તેમજ મુસ્લિમ બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે રમજાનનો પવિત્ર મહિનો ચાલે છે ત્યારે ઘરમાં જ રહીને બંદગી કરજો. બહાર નીકળતા નહીં. ઘરમાં રહીને સરકાર દ્વારા તમને જે પણ વસ્તુ જોઈએ છે તે બધી જ પહોંચાડવામાં આવી રહી છે તો મહેરબાની કરીને આવા સમયે બહાર નીકળતા નહીં.'