અમદાવાદ: ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને જામનગર શહેરમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના સરકારી આંકડાઓ તથા સ્મશાનગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુદેહના થયેલા અંતિમ સંસ્કારના આંકડાઓ વચ્ચે જમીન-આસમાન જેટલો તફાવત હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના નાના શહેરો પણ હોટસ્પોટ બની રહ્યા છે. છતાં ભાજપ સરકાર કોઈ પણ ગંભીરતાને ધ્યાન પર લઈ રહી નથી. ભાજપ સરકાર કોઇ ગંભીરતાથી પગલાં લેવાના બદલે નમસ્તે ટ્રમ્પથી નમસ્તે પાટીલના કાર્યક્રમો યોજી ભાજપ સુપરસ્પ્રેડરની ભૂમિકા ભજવવા છુટ્ટો દોર આપી રહી છે.
અર્જુન મોઢવાડિયાએ ગુજરાત રાજ્યના ચાર મહાનગરોની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડાઓએ તથા કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમ સંસ્કારના કોર્પોરેશન સ્મશાન ભૂમિના આંકડાઓ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોનાના મૃત્યુના આંકડા ઉપર કફન મૂકી રહ્યું છે. ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતાને છુપાવવા કોરોનાના ઓછા ટેસ્ટ ઓછા દર્દીઓની સંખ્યા તથા કોરોનાના કારણે ઓછા મૃત્યુ દર્શાવવાનું તરકટ રચવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગર સ્મશાન ગૃહના કોરોના ગ્રસ્ત દર્દીઓનાં મૃતદેહના અંતિમ વિધિના આંકડાઓની સંખ્યા ભાજપ સરકારની પોલ ખુલ્લી પાડી રહ્યું છે. મૃત્યુ અંતિમ સત્ય છે તેને છૂપાવી શકાતું નથી. કોરોનાના કારણે મૃત્યુ થયેલા દર્દીઓના આંકડા હોસ્પિટલ મારફતે સીધા જાહેર કરવાના બદલે તે નક્કી કરવામાં આવેલી એક ડેથ ઓડિટ કમિટી બનાવી છે. આ કમિટી દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓના મૃત્યુના કારણોમા કોરોનાને બદલે અન્ય કારણો દર્શાવી દેવાનું ભાજપ સરકાર બહુ મોટું કૌભાંડ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાને રોકવા જનતા સહકાર આપી રહી છે. પરંતુ ભાજપના નવા અધ્યક્ષ સી.આર પાટીલની આગેવાનીમાં ભાજપ સુપરસ્પ્રેડર બની ગયું છે.
કોરોના મોતના આંકડાઓ અને અંતિમવિધિના આકડાંમાં જમીન આસમાનનો તફાવત : અર્જુન મોઢવાડિયા અમદાવાદમાં મે મહિનામાં કોરોના સંક્રમણ ટોચ ઉપર હતું. ત્યારે સ્મશાનગૃહમાં મોતની સંખ્યા 6147 હતી. એટલે કે, એક દિવસમાં 204 અને દર કલાકે 9 મૃત્યુ નોંધાયા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે કોરોનાના કારણે માત્ર 686 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે માર્ચ મહિનામાં સ્મશાન ગૃહમાં 2685 મૃત્યુ એટલે કે, દરરોજના 90 અને દર કલાકે 4 લોકોના મૃત્યુ નોંધાયા હતા. પરંતુ કોરોનાના કારણે માત્ર 3 મોત નોંધાયા હતા. તે જ રીતે એપ્રિલમાં 3052 મોત એટલે કે, દિવસના 101 મૃત્યુ અને દર કલાકે 5 લોકોના મૃત્યુ થયા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે કોરોનાના કારણે માત્ર 144 લોકોના જ મૃત્યુ નોંધાયા હતા.જૂન મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનગૃહમાં 4968 મૃત્યુ એટલે કે, દરરોજના 165 મોત અને દર કલાકે 7 લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. પરંતુ સરકારી ચોપડે કોરોનાના કારણે 572 લોકોના મૃત્યુ થયાની નોંધણી કરવામાં આવી હતી. જુલાઇના પ્રથમ 13 દિવસમાં સરકારી આંકડા મુજબ કોરોનાથી 79 લોકોના મૃત્યુ બતાવ્ય હતા. પરંતુ સ્મશાનગૃહમાં 132 અંતિમ સંસ્કાર થયા હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. સ્મશાન ગૃહમાં મૃત્યુની સંખ્યામાં બમણો વધારો થવા છતાં કોરોનાના કારણે ઓછા મૃત્યુ નોંધાયા છે, તેનો કેમ કોઈ ખુલાસો કરવામાં આવતો નથી.રાજકોટમાં છેલ્લા છ મહિનામાં કોરોનાના કારણે 92 મૃત્યુ થયા હોવાની જાહેરાત થઇ છે. પરંતુ રાજકોટના રામાથા મુક્તિધામ મોટા મવા અને 80 ફુટ રોડ પરના સ્મશાનગૃહમાં 771 મૃતદેહના અંતિમ સંસ્કાર તથા કબ્રસ્તાનમાં 38 મૃતદેહની દફનવિધિ સહિત કુલ 798 કોરોના ગ્રસ્ત મૃતદેહની અંતિમ વિધિ થઇ હતી. બીજી તરફ સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં અંતિમ સંસ્કારનું કામ કરતી સંસ્થાઓના પ્રતિનિધિએ આપેલા આંકડા મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રણ સ્મશાનગૃહમાં રોજના કુલ 100 મૃત્યુના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલથી કરવામાં આવ્યા હતા. છતાં સુરતમાં કોરોના ગ્રસ્ત મૃત્યુના આંકડા 15 ની આસપાસ જ બતાવવામાં આવી રહ્યા છે. સરકારી આંકડા મુજબ જામનગર શહેરમાં કોરોનાના કારણે 26 મૃત્યુ દર્શાવ્યા છે. પરંતુ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ જામનગરમાં એક જ સ્મશાનગૃહમાં કોરોના ગ્રસ્ત દર્દીઓના પ્રોટોકોલ મુજબ 182 અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા અને શહેરના અન્ય સ્મશાન ગૃહ અને કબ્રસ્તાનના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને રોકવા માટે જનતા સહકાર આપી રહી છે. પરંતુ ભાજપના નવા અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં ભાજપ સુપરસ્પ્રેડર બની રહ્યો છે. પાટીલ ભાઉના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નમસ્તે પાર્ટીના કાર્યક્રમોની રેલીમાં રાસ-ગરબા સહિતના કાર્યક્રમોએ કોરોનાને સામેથી આમંત્રણ આપ્યું છે. તેને કારણે પાટીલ ભાઉ ખુદ તથા ભાજપના સેંકડો આગેવાનો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થયા છે. સિનિયર આગેવાન અને સાંસદ અભય ભારદ્રાજની સ્થિતિ હાલ ગંભીર છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કોરોના નવા હોટસ્પોટ બન્યા છે, આ સ્થિતિમાં કોરોના ગ્રસ્ત મૃત્યુના સાચા આંકડા બહાર પાડવાની જરૂર છે. જેથી સામાન્ય જનતા પણ કોરોનાની ગંભીરતાથી નોંધ લઇ કાળજી રાખે. રાજ્ય સરકાર જો સાચા આંકડા બહાર નહીં પાડે તો કોંગ્રેસ પક્ષ સીટીઝન કમિશન બનાવીને આંકડા બહાર પાડવાની જવાબદારી હાથ પર લેશે, જેને લઇને તેઓ દ્વારા સરકાર સમક્ષ સાચા આંકડા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી.