ધોળકા:ધોળકાની આસપાસના ત્રણ ગ્રામ્ય વિસ્તારમાંથી વોકળા થકી ઉદ્યોગોના ગંદા પાણીનો નિકાલ થાય છે. જેના કારણે આ ત્રણેય ગામના લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. એક બાજુ સરકાર ધોળકામાં એરપોર્ટ જેવી મોટી સવલત થતી વિકાસ કરવા વાયદા કરે છે. પરંતુ આસપાસના ગામમાં પ્રાથમિક અને પાયાના પ્રશ્નો મુદ્દે સમસ્યાઓનો નિવેડો તંત્રને જડતો નથી. જેના કારણે સ્થાનિકોએ હવે હાઇકોર્ટમાં અરજી કરી છે. સાબરમતીના પ્રદૂષિત પાણીની ચિંતા કર્યા બાદ હાઇકોર્ટ સામે ધોળકા વિસ્તારના આજુબાજુના ગામનો પ્રદુષિત પાણીનો પ્રશ્ન આવતા ગ્રાઉન્ડ લેવલ પર થતી કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. ગંદુ પાણી રસાયણ યુક્ત હોવાના કારણે ખેતીના પાકોને નુકસાન થાય છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ:ધોળકાના આજુબાજુના ત્રણ ગામના રહીશો દ્વારા આ અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી છે. આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ધોળકાની આસપાસ ગામોમાંથી પસાર થતા વોકળાઓમાં ઉદ્યોગોનું અને સુએઝનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતની કોઈ પણ પ્રકારની ગંભીરતાથી નોંધ લેવામાં આવી ન હતી. જેના કારણે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat High Court: જાહેર હિતની અરજી મામલે કોર્ટનો સામો સવાલ, વીમા એજન્ટ્સ પહેલા હિત પુરવાર કરો
ગંદુ પાણી છોડવામાં:હાઇકોર્ટે આ સમગ્ર મામલાની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે. આ મુદ્દે કાર્યવાહી કરવાના આદેશ પણ ગૃહ સચિવને આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરીને હુકમ કર્યો છે. આ મુદ્દે જરૂરી તપાસ કરીને કાર્યવાહી કરીને કાર્યવાહીનો અહેવાલ રજૂ કરો. આગામી મુદત સુધીમાં વિગતવાર કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. ગામના રહીશોનું કહેવું છે કે ઉદ્યોગ ગૃહો અને નગરપાલિકાની મિલી ભગતના કારણે ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ગામવાસીઓને તકલીફોનો સામનો કરવો પડે છે. છોડવામાં આવતું ગંદુ પાણી રસાયણ યુક્ત હોવાના કારણે ખેતીના પાકોને નુકસાન થાય છે. સાથે જ જમીનની ફળદ્રુપતાને પણ ખૂબ જ નુકસાન પહોંચે છે. એવી પણ જાણ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
આ પણ વાંચો High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો
ગંભીર પ્રકારના પગલાં: મહત્વનું છે કે, સાબરમતી નદીના પ્રદૂષણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો લેવામાં આવે છે. હાઇકોર્ટ વધી રહેલા પ્રદૂષણને કારણે પણ અનેક વખત ચિંતા વ્યક્ત કરી શકે છે. ત્યારે હવે ઉદ્યોગોના ગંદા પાણીને નદી નાળાઓમાં છોડવામાં આવે છે. તે મુદ્દે વધુ એક અરજી હાઇકોર્ટ સમક્ષ પહોંચી છે. ત્યારે હવે હાઇકોર્ટ આ સમગ્ર મામલે આગામી મુદત સુધીમાં ચોક્કસ ગંભીર પ્રકારના પગલાં લઈ શકે છે.