અમદાવાદ: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસવાને પગલે ઉપરવાસમાં ભારે વરસાદ અને પૂરના કારણે ધરોઇ ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી જવાની સ્થિતિ સર્જાઇ છે. રવિવારે સાંજે 6 વાગ્યે ધરોઇ ડેમમાંથી 10થી 15 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા અમદાવાદ જિલ્લા તંત્ર સતર્ક બની ગયું હતું. આ પાણી સાબરમતી નદીમાં છોડવાનું હોવાથી નદી કાંઠાના 30 જેટલા ગામોને સતર્ક કરવા તેમજ તકેદારીના પગલારૂપે જરૂરી પાગલા લેવાની કામગીરી હાથ ધરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ધરોઇ ડેમમાં રવિવારે સાંજે 5 વાગ્યે પાણીનું લેવલ 616.80 ફૂટ એટલે કે એલર્ટ સ્ટેજ પર પહોંચી ગયું હતું. 46.611 ક્યૂસેક પાણીની આવક થતા જળાશયમાં પાણીનો 80 ટકા સંગ્રહ થઇ જતા સ્થિતિ ગંભીર બની હતી. જેથી સાબરમતી નદીમાં 15 હજાર ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.