ભદ્રકાળી માતાજીના ચાચરચોક પણ નવરાત્રીનો અનેરો ઉંમગ અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદ શહેરના નગર દેવી મા ભદ્રકાળી માતાજીનું અનેરુ સ્થાન શહેરના ઈતિહાસ અને ભક્તિ પરંપરામાં રહેલું છે. આસો નવરાત્રીમાં ભદ્રકાળી મંદિર પરિસરમાં હવન થાય છે, પ્રાચીન ગરબા ગવાય છે અને અનુષ્ઠાન થાય છે. મા ભદ્રકાળીની ભક્તિને અનેક ગીતોમાં વણી લેવાઇ છે. ગુજરાતી કવિ-સંગીતકાર અવિનાશ વ્યાસે તો તેમના એકે લાલ દરવાજે ગીતમાં મા ભદ્રકાળીનો મહિમા.. ત્રણ દરવાજા માહી, મા બિરાજે ભદ્રકાળી, માડીના મંદિરીયે ગુલઝારો જોવા હાલી...ના શબ્દો થકી વર્ણવ્યો છે. તો મા-બાપ ફિલ્મના પ્રસિદ્ધ ગીત - અમદાવાદ બતાવું ચાલોમાં ભદ્ર મહીં બિરાજે, રૂડા માતા ભદ્રકાળી… ભીડ જામે ત્યાં ભક્તજનોની, સૌના દુઃખ દે ટાળી કહી ગાયો છે. અમદાવાદની કોઇ પણ વાતમાં મા ભદ્રકાળીનો ઉલ્લેખ અચૂક હોય જ છે. આવી અપાર શક્તિ સ્વરૂપ મા ભદ્રકાળીના ચાચર ચોકમાં ભક્તો નવરાત્રીમાં ગરબા રમી પોતાનો ભાવ પ્રગટ કરે છે.
લોકવાયકા:અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા સાથે એક લોકવાયકા જોડાયેલી છે. જેમાં ભદ્ર કિલ્લાનું રક્ષણ માતાજીના હાથથી થાય છે, જેનું નિશાન આજે પણ કિલ્લામાં મોજુદ છે. હાલ ભદ્રકાળી માની તેમના ભાવી ભક્તો નવરાત્રીમાં તપસ્યા કરીને ગરબે રમે છે.
મંદિર અને ચાચરના ચોકનું ધાર્મિક મહત્વ: એવું મનાય છે કે, ભદ્રકાળી માતાનું મંદિર વાઘેલા વંશના રાજા કર્ણદેવે 13મી સદીમાં કર્યું હતું. એ સમયે કર્ણદેવની કર્ણાવતી નામે નગરી સાબરમતી કિનારે હતી. એવી લોકવાયકા છે કે, અમદાવાદના બાદશાહ અહમદશાહને પણ ભદ્રકાળી માતાનો પરચો મળ્યો હતો. આજે નાના-મોટાં સૌ કોઈ નવરાત્રીમાં ભદ્રકાળી માતાને પૂજા-અર્ચન કરી નવરાત્રીમાં ભક્તિભાવ પ્રગટ કરે છે
નવરાત્રીની આઠમનું ઘણું મહત્વ: આસો નવરાત્રીના નવેનવ દિવસ ભદ્રકાળી માતાના મંદિરના ચાચરચોકમાં ભક્તિ ગરબા ગાય છે. પણ આઠમનું આગવું મહત્વ છે. અહીં આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનું અનેરું મહત્વ છે. આઠમના દિવસે મંદિર પરિસરમાં હવન થાય છે.
નગરદેવી મા ભદ્રકાળી:આધુનિક સમયમાં માના ભક્તો ગરબા થકી પોતાની ભક્તિ અને હેતને રજૂ કરે છે. છેલ્લી છ સદીથી નગરદેવી ભદ્રકાળી માતા અમદાવાદીઓનું રક્ષણ કરી સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જેના થકી આજે અમદાવાદે ગ્લોબલ ઓળખ ઉભી કરી છે. અમદાવાદીઓ પણ ભદ્રકાળી માતાજીની ભક્તિનો અવસર ક્યારેય ચૂક્યા નથી, જે આસો નવરાત્રી પર્વ દરમિયાન પૂજા, દર્શન, હવન, અને ગરબા થકી ઋણ અદા કરે છે.
- Navratri 2023: ગરબા મહોત્સવમાં હર્ષ સંઘવીએ માણી ગરબાની રમઝટ
- Navratri 2023 : નવરાત્રી પર્વને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, અસામાજીક તત્વોની ખેર નથી