અમદાવાદ : ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના મોટાભાગના પાક નિષ્ફળ ગયા છે, ત્યારે સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે, પણ આ પેકેજમાં વિરમગામ અને માંડલ તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે. જેથી આ પંથકના ખેડૂતોમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.
દેવેન્દ્રસિંહ સિંધવે વિરમગામ-માંડલને કૃષિ સહાય પેકેજમાં સમાવેશ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેસવા મંજૂરી માગી - સેવા સદન કચેરી
અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ તાલુકાનો કૃષિ સહાયમાં સમાવેશ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. જેથી કોંગ્રેસ સમિતિના આગેવાન દેવેન્દ્રસિંહ સિંધવ દ્વારા ઉપવાસ પર બેસવા માટે મામલતદાર પાસે મંજૂરી માગવામાં આવી છે.
![દેવેન્દ્રસિંહ સિંધવે વિરમગામ-માંડલને કૃષિ સહાય પેકેજમાં સમાવેશ કરવાની માંગ સાથે ઉપવાસ પર બેસવા મંજૂરી માગી દેવેન્દ્રસિંહ સિંધવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9086017-thumbnail-3x2-amd.jpg)
આ બાબતે સ્થાનિક ભાજપના કાર્યકરો અને આગેવાનોએ પણ આ વિસ્તારને કૃષિ પેકેજ સહાય મળે તેવી રજૂઆત ગાંધીનગર જઈ કરી હતી. આ અનુસંધાનમાં તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં વિરમગામ અને માંડલ તાલુકાને કૃષિ પેકેજ સહાયમાં સમાવેશની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી.
ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને આગામી 9 ઓક્ટોબરથી અન્નનો ત્યાગ કરી માત્ર જળ પીને ઉપવાસ આંદોલન કરવાની મંજૂરી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના દેવેન્દ્રસિંહ સિંધવ દ્વારા વિરમગામ તાલુકા સેવા સદન કચેરી પાસે ઉપવાસ પર બેસવાની મામલતદાર પાસે મંજૂરી માગવામાં આવી છે.