અમદાવાદ: આ બેઠકમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં થનારા વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત કોવિડ-19ને અનુલક્ષીને વિકાસ કાર્યો દરમિયાન તકેદારીના પગલા અને આયોજન વિશે પરામર્શ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના રૂ. ૧૨૦૦ લાખના વિકાસલક્ષી કામને મંજૂરી અમદાવાદ જિલ્લા સેવા સદનમાં યોજાયેલી બેઠકમાં વર્ષ 2020-21 માટે અમદાવાદ જિલ્લામાં રૂપિયા 1200 લાખના વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. કૃષિપ્રધાન આર. સી. ફળદુએ અમદાવાદ જિલ્લામાં ગત વર્ષે થયેલા વિકાસ કાર્યો સંતોષકારક રીતે પૂર્ણ થયા છે તેમ જણાવ્યું હતું. ચાલુ વર્ષે પણ એ જ ઝડપ અને ગુણવત્તા સાથે તમામ વિકાસ કાર્યો થાય તેમ સૂચન કર્યું હતું. તાલુકા કક્ષાએ વિકાસ કાર્યોના આયોજન વેળાએ સ્થાનિક લોકોની અપેક્ષા અને લાભને ધ્યાનમાં લેવા જોઈએ તેેમ જણાવ્યું હતું.જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યો સત્વરે પૂરા કરવામાં આવશે. કોવિડ-19 કારણે જે કામો અટકી ગયા હતા તે પણ જલદીથી પૂરા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ , જિલ્લા આયોજન અધિકારી આર. આર. ગામીત, તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીઓ અને સ્થાનિક જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.