અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા છેતરપિંડીના ગુના સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે રિમાન્ડ મેળવ્યા બાદ તપાસ તેજ કરી છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોમવારે કિરણ પટેલના ઘોડાસર સ્થિત નિવાસ્થાને સર્ચઓપરેશનમાં ગઈ હતી. જ્યાં બે કલાકના સર્ચ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવાઓ તેમજ બેંક પાસબુક સહિતના અલગ અલગ ડોક્યુમેન્ટ્સ અને સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યા હતા. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના બેન્ક સ્ટેટમેન્ટની વિગત મેળવી તપાસ કરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
રિટર્ન ભરવાનું બાકી: આ સમગ્ર મામલે કિરણ પટેલ અને માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જગદીશ ચાવડા નામના ફરિયાદીનો શીલજનો કરોડોની કિંમતનો બંગલો રીનોવેશનના નામે પચાવી પાડવાનો પ્રયત્ન કિરણ પટેલે કર્યો હતો, ત્યારે આ મામલે આરોપીના બેન્ક એકાઉન્ટની વિગતો ક્રાઈમ બ્રાન્ચે તપાસતા ફરિયાદી જગદીશ ચાવડાનો બંગલો ખરીદી શકાય તેવી રકમનું બેલેન્સ કે કોઈ ટ્રાન્જેક્શન કિરણ પટેલના બેન્ક ખાતામાં જણાયું ન હતું. સાથે જ કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કોઈપણ આઈટી રિટર્ન પણ ન ભર્યું હોવાનું સામે આવ્યું છે. વધુમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં સામે આવ્યું કે કિરણ પટેલે કોઈ બેંકમાંથી લોન મેળવી નથી અને કોઈ બેંકમાં લોન માટે અરજી પણ કરી નથી.
અનેકવાર ચેક બાઉન્સ: મહાઠગ કિરણ પટેલની તપાસમાં સામે આવ્યું હતું કે તેના દ્વારા કોઈપણ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના હોય અથવા ખરીદી કરવાની હોય ત્યારે બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ન હોવા છતાં પણ જે તે વ્યક્તિને ચેક જમા કરાવ્યા જાણ કરવી તેવું જણાવીને ચેક આપતો હતો અને ત્યારબાદ પોતે આપેલ ચેક જેટલી રકમ ખાતામાં જમા કરાવતો ન હતો. ચેક રિટર્ન થયા બાદ રોકડેથી ચૂકવી આપતો હોવાનું સામે આવ્યું છે.