- વિક્રમ સારાભાઈનું મોત પણ શંકાસ્પદ હોવાનો દાવો
- ઇસરોના વૈજ્ઞાનિકનો પોતાને ઝેર અપાયાનો દાવો
- ફેસબુક પેજ પર પુરાવા સાથે કરી રજૂઆત
અમદાવાદ : ઇન્ડિયન સ્પેશ રિર્સચ ઓર્ગેનાઇઝેશન(ISRO)ના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC)ના પૂર્વ-ડાયરેક્ટર તપન મિશ્રાએ અતિ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે, કે તેમને 2017માં ઝેર આપવામાં આવ્યું હતું. એક વખત નહીં પણ તેમની સાથે ત્રણ વખત આવી ઘટના બની છે. તપન મિશ્રાએ ડૉક્ટર વિક્રમ સારાભાઈનું મોત પણ રહસ્યમય રીતે થયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈના મોતનું રહસ્ય આજે પણ અકબંધ રહ્યું છે.
ડૉ. વિક્રમ સારાભાઇના રહસ્યમય મોતના કારણો આજે પણ અકબંધ વિક્રમ સારાભાઈનો જન્મ ધનાઢ્ય પરિવારમાં થયો હતો
વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનો પરિવાર ભારતના ધનાઢ્ય કહી શકાય તેવો ઔદ્યોગિક પરિવાર હતો. અંબાલાલ સારાભાઇ અને સરલાદેવીના આઠ સંતાનોમાંથી એક વિક્રમ હતા. અંબાલાલભાઈએ વિક્રમભાઈ માટે તેમના બંગલામાં જ શાળા બનાવી હતી. ત્યાં જ તેમને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને નિષ્ણાંત શિક્ષકો પાસે ભણ્યા હતા. 1940માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કોલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી. 1947માં કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપિકલ લેટિટ્યુડ્ઝ નામના વિષય પર શોધ નિબંધ રજૂ કરીને પીએચડીની પદવી મેળવી હતી.
ભારતને વિજ્ઞાન ક્ષેત્રે આગળ લઈ જવામાં વિક્રમ સારાભાઈનો અમૂલ્ય ફાળો
અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ની સ્થાપના 1947માં થવા પાછળ તેમને નિમિત્ત બન્યા હતા. ભારતે અવકાશ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. તેના મૂળમાં આ સંસ્થા છે. અવકાશમાં મોકલવાનો ઉપગ્રહોનો વિકાસ PRLમાં થયો છે. અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ(IIM), કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઈ કેમિકલ્સ વગેરે ઉદ્યોગ, દવા ફાર્મસીને લગતી સંસ્થાઓના વિકાસમાં તેમને મહત્વ ફાળો આપ્યો છે. ડૉ. હોમી ભાભાના અવસાન બાદ પણ ડૉ. વિક્રમ સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાનમાં તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે જણવ્યું હતું કે, તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું તે એક સદનસીબની વાત હતી.
ડૉ. વિક્રમ સારાભાઇ ભારતના અવકાશ યુગના પિતા
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનિક લોન્ચ બાદ ભારત જેવા વિકાસશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાતને તેમને સરકારને યોગ્ય રીતે સમજાવી હતી. જે બાદ ભારતમાં પ્રથમ રોકેટ લોંચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ સારાભાઇને સાથ આપ્યો હતો. ડૉ. સારાભાઇના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. અવકાશ ક્ષેત્રે વિક્રમ સારાભાઇને કરેલા કાર્યોને પગલે તેમને અવકાશ યુગના પિતા પણ કહેવાય છે.
ડૉ. વિક્રમ સારાભાઇ પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા
ડૉક્ટર વિક્રમ સારાભાઈના લગ્ન ખૂબ જ જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ડૉ. વિક્રમ સારાભાઈના કાર્યોએ સ્પેસ રિસર્ચમાં ભારતને દુનિયામાં સ્થાન અપાવ્યું છે. જેને પગલે તેમને પદ્મભૂષણ સમય પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
રહસ્યમય સંજોગોમાં થયું હતું વિક્રમ સારાભાઈનું મોત
વિક્રમ સારાભાઈના મોતના કારણો હજૂ સુધી અકબંધ છે. રહસ્યમય મોતમાં વિક્રમ સારાભાઈનું મોત પણ ગણવામાં આવે છે. વિક્રમ સારાભાઈ 53 વર્ષના હતા, ત્યારે તેમને એક કાર્યક્રમમાં કેરળના કોવલમ ગયા હતા. તેમને તે દિવસે પ્રથમ એવા રશિયન રોકેટે પરિક્ષણ કર્યું હતું અને પછી તેમને થુંમ્બા રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. 31 ડિસેમ્બર, 1971ની રાત્રે તેમને કોવલમના રિસોર્ટમાં રોકાયા હતા. ત્યા સુધી બધું સામાન્ય હતું. બીજા દિવસે સવારે રિસોર્ટમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. એમના મૃત્યુનું કોઇ ખાસ કારણ સામે આવ્યું ન હતું. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવું જોઈએ જે પણ થયું ન હતું. તેમના રહસ્યમય મોતનું અકબંધ રહી ગયું. એક જાન્યુઆરીએ તેમને અમદાવાદ આવીને નવા વર્ષની ઉજવણી કરવાના હતા. જે વિમાનમાં સીટ બુક કરાવી હતી, તે જ વિમાનમાં તેમના મૃતદેહને લાવવામાં આવ્યું હતું.
વિક્રમ સારાભાઈની પુત્રી મલ્લિકા સારાભાઈનો કઇ પણ કહેવા ઇન્કાર
આ મામલે ETV BHARAT દ્વારા વિક્રમ સારભાઈની પુત્રી મલ્લિકા સારાભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.