અમદાવાદ:અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કાંકરિયા નજીકના ભુલાભાઇ ચાર રસ્તા પાસે લિફ્ટમાંથી એક 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા વૃદ્ધ તેઓની દીકરીને મળવા માટે આવ્યા હતા. કેવી રીતે આ વૃદ્ધનું મોત થયું તે પણ હાલ કહી શકાય તેમ નથી.
" મૃતક રખિયાલ વિસ્તારમાં રહેતા હતા અને દીકરીને મળવા ઘરેથી 3 દિવસ પહેલા નીકળ્યા હતા. લિફ્ટમાં પડી જવાથી તેઓનું મોત થયું છે. હાલ વધુ કાર્યવાહી ચાલુ છે.."-- હરદીપસિંહ ઝાલા (કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ)
મૃતદેહને લિફ્ટમાંથી બહાર કાઢ્યો: આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને લિફ્ટમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. પોલીસે આસપાસના લોકોની તપાસ શરૂ કરી હતી. જોકે ફ્લેટમાં રહેતો કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોય પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે મૃતદેહની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહ કાનજીભાઈ વણઝારા નામના વૃદ્ધનો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. મૃતક રખિયાલ વિસ્તારમાં રહેતા હતા.
મોતનું કારણ અંકબંધ: મૃતદેહની હાલત જોઈને અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે કોઈપણ લિફ્ટમાં જો લિફ્ટ ઉપર હોય ત્યારે નીચેનો દરવાજો લોક હોય છે અને તે જલ્દી ખુલતો નથી. પરંતુ લિફ્ટના નીચેના ભાગે આવેલા ભોયરામાં વૃદ્ધ કઈ રીતે પહોંચી ગયા હશે. આ સાથે જ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ કોઈની મદદ માંગી કે નહીં અને ખરેખર તેઓ નીચે પડી ગયા કે તેઓને નીચે પાડીને તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તેવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે.
આ પહેલા પણ આવો બન્યો હતો બનાવ: શહેરમાં થોડા મહિના પહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી એક હોસ્પિટલમાં માતા અને પુત્રીની હત્યાની ઘટના બની હતી. જેમાં હોસ્પિટલમાં સંતાડેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે વધુ તપાસ કરતા તેની માતાની પણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં ભુલાભાઇ ચાર રસ્તા પાસે આવેલા આદિત્ય એન્કલેવ નામના ફ્લેટમાં લિફ્ટમાં નીચેના ભાગેથી એક વૃદ્ધનો કોહવાઇ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જોકે પોલીસ અકસ્માતમાં મોત થઈ હોવાનું રટણ કરી રહી છે.
- Ahmedabad Crime News : બાપુનગરમાં આતંક મચાવનાર રીઢા ગુનેગારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
- Ahmedabad News: કારંજમાંથી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા, ડ્રગ્સના કેસમાં પહેલીવાર આરોપીઓ પાસે વજન કાંટો પણ મળ્યો