ટેસ્ટ વગર મળી જતું હતું લાઈસન્સ, કૌભાંડમાં અધિકારીઓની "અમી કૃપા" અમદાવાદ:ગાંધીનગર આરટીઓ કચેરી ખાતેથી ટ્રેક ટેસ્ટ આપ્યા વગર જ બારોબાર લાયસન્સ નીકળી ગયા હોવાની જાણ અમદાવાદ સાયબર ક્રાઈમને થતા સાયબર ક્રાઇમ દ્વારા બે એજન્ટ અને બે આરટીઓના અધિકારીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જો કે આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવતા જ સાયબર ક્રાઇમ દ્વારા ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ દ્વારા આરટીઓ અધિકારી અને એજન્ટ સહિત 20 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને શંકા છે કે આ રીતે લગભગ 484 થી વધારે લાઇસન્સ ઇસ્યુ થયા હોય શકે છે. જે મામલે પોલીસે તમામ વિગત મેળવી ટેકનિકલી રીતે વધુ તપાસ શરૂ કરી છે.
"આ મામલે અગાઉ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓની તપાસમાં અન્ય ખુલાસા થયા છે, આ પ્રકારના કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ અને પૂછપરછ ચાલુ છે. જે પણ લોકો સામેલ હશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે"-- એમ.આર પરડવા (સાયબર ક્રાઈમના PI)
પૂછપરછ દરમિયાન સામે આવ્યું: આર.ટી.ઓ અધિકારીની મિલી ભગતથી જ આ કૌભાંડ ચાલતું હતું. અગાઉ પણ પોલીસે ગાંધીનગર આર.ટી.ઓમાં ફરજ બજાવતા સમીર રતન ધારિયા અને જયદીપસિંહ ઝાલા સહિત ચારની ધરપકડ કરી હતી. કારણ કે પોલીસને મળેલ 9 લાયસન્સ માટેની અરજીમાં મોટા ભાગના લાયસન્સમાં આઇ.પી એડ્રેસ આર.ટી.ઓની બહારના હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ માટે આવતી અરજીને મંજુર કરવા માટેનો પાસવર્ડ માત્ર આર.ટી.ઓના અધિકૃત અધિકારી પાસે જ હોય છે.
મોટું કૌભાંડ બહાર:પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગાંધીનગર આર.ટી.ઓમાંથી વર્ષ 2022 માં 14 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં માત્ર 4 હજાર જેટલા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે પોલીસને એ પણ શંકા છે કે વર્ષ 2022 માં આ રીતે ટેસ્ટ આપ્યા વગર જ અનેક લાયસન્સ ઇસ્યુ થયા હોય શકે છે. જે મામલે પણ પોલીસે ટેકનિકલ મદદ લઈને તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તપાસ દરમિયાન મસ મોટું કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં.
- Ahmedabad Sessions Court : 14 વર્ષની સગીરા પર બળાત્કાર મામલે આરોપીને સખત સજા
- Ahmedabad Crime News : ટ્રેડ ફંડના નામે 2 કરોડનો ચૂનો લગાવવાનો પ્રયાસ, વેપારીની સજાગતાએ ઠગનો ભાંડો ફોડ્યો