અમદાવાદ: કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ ત્યારબાદ ન્યૂડ વીડિયો કોલ, બાદમાં લોન એપ્લિકેશન ફ્રોડ, બાદમાં વીડિયો લાઈક ફ્રોડ શરૂ થયું અને હવે ફરીથી વર્ક ફ્રોમ હોમના નામે લોકો સાથે સાઇબર ગઠિયાઓએ છેતરપીંડીની શરૂઆત કરી છે. લોકોને કોઈ પદ્ધતિનો ખ્યાલ આવી જાય ત્યારે સાયબર ગઠિયાઓ નવી પદ્ધતિથી લોકોને છેતરે છે.
વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાયબર ગઠિયાઓ દ્વારા સોશિયલ મીડિયા મારફતે લોકોને ઘર બેઠા કામ કરી પૈસા કમાવવાની જાહેરાતો મોકલવામાં આવે છે. જેનાથી લલચાઈને લોકો આવી લીંક ઓપન કરે છે અને પોતાની ડીટેઈલ ભરે છે. જેનાથી સાયબર ગઠિયાઓને સરળતાથી લોકોનો ડેટા મળી જાય છે અને બાદમાં છેતરપિંડી આચરે છે.
લીંકમાં બેન્ક એકાઉન્ટની માહિતી:મહત્વનું છે કે સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સમયાંતરે પોતાની પદ્ધતિઓ બદલે છે. જાણીતી કંપનીઓના નામે ઘર બેઠા કામ કરવા માટે લોભામણી લાલચો આપે છે. સામાન્ય કામ કે જે મહિલાઓ કે અન્ય લોકો પણ ઘર બેઠા સરળતાથી કરી શકે છે અને પૈસા કમાઇ શકે છે. જેની લાલચમાં આવી લોકો આવી જાહેરાતોની લીંક ઓપન કરી પોતાની માહિતી આપે છે. બેન્ક એકાઉન્ટની પણ માહિતીઓ આપે છે જેનાથી તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે.