અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચકચારી ઘટનાએ આકાર લીધો છે. તમામ લોકો જ્યારે 25 ડિસેમ્બરના રોજ ક્રિસ્મસની ઉજવણી (Christmas celebration) કરતા હતા. તે દરમિયાન ઓઢવમાં પતિ-પત્નીએ ભેગા મળીને એસિડ એટેકની (Acid attack) ઘટનાને અંજામ આપ્યો. કોના પર થયો એસિડ એટેક અને તેની પાછળનું કારણ શું હતું આવો જાણીએ અહેવાલમાં.
એસિડ એટેકે લોહીના સંબંધોને લગાડ્યું લાંછન
માતા અને પુત્રના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદ પૂર્વના ઓઢવ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 60 વર્ષીય વૃધ્ધ પર તેના જ પુત્રએ અને વહુ બંન્નેએ ભેગા મળી એસીડ ફેંકી હુમલો કર્યો હતો. હાલ આ વૃધ્ધ મહિલાને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલાની ઓઢવ પોલીસ (Odhav police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એસિડ એટેકના આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
જનેતા પર પુત્ર અને વહુનો એસિડ એટેક
ઓઢવા પોલીસને ફરિયાદ મળી કે ૬૦ વર્ષના સીનિયર સીટીઝન (Senior Citizen) મહિલા પર એસિડ એટેક થયો છે. જેની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.મધુરમ સોસાયટીમાં ફરિયાદી સાથે રહેતા તેના પુત્ર મુકેશ અને તેની પત્નીએ ભેગા મળીને ૨૫ ડિસેમ્બર એટલે કે ક્રિસમસની મધરાતે પોતાની જ માતા પર એસિડ એટેક કર્યો હોવાની હકીકત સામે આવી છે. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી ઘટના પાછળની હકીકત જાણવા કવાયત હાથ ધરી હતી.