અમદાવાદ:મહાઠગ કિરણ પટેલ મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટિમ ઠગ કિરણ પટેલના ઘરે પહોંચી છે. ઘોડાસરમાં આવેલા કિરણ પટેલના પ્રેસટીઝ બંગલોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન કરવામા આવ્યું હતું. ખાસ કરીને કિરણ પટેલ અને માલિની પટેલના બેંક એકાઉન્ટ સહિતના દસ્તાવેજોની પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. કિરણ પટેલના ઘરમાંથી અન્ય દસ્તાવેજો તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે કિરણ પટેલની જમ્મુ કાશ્મીરમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે રિમાન્ડ દરમિયાન અલગ-અલગ મુદ્દા ઉપર કિરણ પટેલની તપાસ હાથ ધરવામાં આવશે.
આટલી વસ્તુઓ મળી આવી :મહાઠગ કિરણ પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ દ્વારા અંદાજે 2 કલાક સર્ચ ચાલ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે એક બેંગ ભરીને જરૂરી દસ્તાવેજો કબ્જે કર્યા છે. ઠગ કિરણના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક મેળી આવ્યા છે. તેમજ સિંધુભવન રોડ પરનો જે બંગલો પચાવી પાડવાનો હતો, તે બંગલાની જૂની અને નવી ચાવીઓ મળી આવી છે. તેમજ ઠગ કિરણ પટેલએ મકાનમાં કરેલ વાસ્તુપૂજાની પત્રિકા કવર મળી આવ્યા છે. બંગલાનો રીનોવેશન લે આઉટ પ્લાન સહિતની વસ્તુઓની સાથે કિરણ પટેલના નામની એક્સીસ બેંકની ચેક બુક, HDFC બેંક ઓફ અલ્હાબાદ અને બેંક ઓફ ઇન્ડિયાના બેંક એકાઉન્ટના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. કિરણ પટેલના બેંક એકાઉન્ટ માહિતીમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. ડોક્યુમેન્ટના આધારે ક્રાઇમ બ્રાંચ અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી છે.
આઠ દિવસના રિમાન્ડ:અમદાવાદના શીલજમાં આવેલા પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના કરોડોની કિંમતના બંગલાને પચાવી પાડવાના પ્રયાસ અને છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીરમાંથી કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી અને જે બાદ નામદાર કોર્ટમાં રજૂ કરી તેના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન તેના દસ્તાવેજો સહિતની તમામ બાબતો અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. સૌથી પહેલા કિરણ પટેલ છેલ્લા પાંચ વર્ષથી જે જગ્યા પર રહેતો હતો, ત્યાં ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટિજ બંગલોમાં ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલને સાથે રાખીને સર્ચ ઓપરેશન અને ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરી હતી.