નરોડા પૈસા ડબલ પોન્ઝી સ્કીમમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા
અમદાવાદ: નરોડામાં 6 દિવસમાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડીના કેસના આરોપી પિષુય ચૌધરીને જામીન ન આપવા સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે કરેલા સોગંદનામામાં ભોગ બનનારા વ્યક્તિઓની સંખ્યા કે તપાસની વિગતો દર્શાવવામાં આવી નથી. જો કે, તે એફિડેવિટમાં થયેલી રજૂઆતમાં મીરઝાપુર ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપલ જજે જામીન ફગાવ્યા છે.
અમદાવાદના નરોડામાં છ દિવસમાં પૈસા બમણા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં રોયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. કેસમાં 50થી વધુ લોકો ભોગ બન્યા છે. કેસના આરોપી પિયુષ ચૌધરીએ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી અને સરકારેે અગાઉ આરોપીની જામીન ન આપવાની રજૂઆત કરતું સોગંદનામું રજૂ કર્યુ હતું.
નરોડા પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં માત્ર ગુનાની ટૂંકી વિગત અને જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભોગ બનનારા વ્યક્તિઓની સંખ્યા, તપાસ ક્યાં પહોંચી તેની વિગતો, સાક્ષીઓના નિવેદનની વિગતો સોગંદનામામાં આપવામાં આવી નથી. જો કે, સરકાર દ્વારા કરાયેલા જામીનના વિરોધના પગલે આરોપીના જામીન મીરજાપુર ગ્રામ્ય કોર્ટે રદ્દ કર્યા હતા.