ગુજરાત

gujarat

ETV Bharat / state

પીરાણા ડમ્પ-સાઇટ ખસેડવા મુદ્દે કોર્પોરેશને હાઇકોર્ટમાં કહ્યું બે થી ત્રણ વર્ષ સુધીનો સમય લાગશે

અમદાવાદ: સુએઝ ફાર્મ દાણીલીમડા વિસ્તારમાં આવેલા પીરાણા ડમ્પ સાઈટને દૂર કરવા બાબતે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર સોમવારે જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી દલીલ કરવામાં આવી હતી કે આગામી બે થી ત્રણ વર્ષ સુધીમાં પીરાણા ડમ્પ સાઈટને અન્ય સ્થળે ખસેડવામાં આવશે.

પીરાણા ડમ્પીંગ-સાઇટ ખસેડવા મુદ્દે કોર્પોરેશનની હાઇકોર્ટમાં દલીલ

By

Published : Jun 25, 2019, 10:46 AM IST

Updated : Jun 25, 2019, 1:35 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ એન્ડ મેનેજમેન્ટ વિભાગે હાઇકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે પુણે અને મુંબઈમાં પણ ડમ્પીંગ સાઈટને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. તેવી જ રીતે આગામી બે થી ત્રણ વર્ષ સુધીમાં પીરાણા ડમ્પીંગ સાઈટને અન્ય સ્થળે ખસેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા લેવાયેલા વિવિધ પગલાને લીધે શહેરના સોલિડ વેસ્ટ કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ દરરોજ 4 હજાર મેટ્રિક ટનની સામે ઘટીને 3300 મેટ્રિક ટન જેટલું થઈ ગયું છે..

અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે જાહેરમાર્ગ પરથી કચરાની મોટી પેટી ખસેડી લેવામાં આવી છે અને તેના સ્થાને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની યોજના અમલમાં મુકાઈ છે. કચરો નિયમ મુજબ ડિસપોઝ થાય તેના માટે કોર્પોરેશનને દરેક ઝોનમાં એક રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન કાર્યરત કર્યા છે. ગત 2 ડિસેમ્બરના રોજ કોર્પોરેશન દ્વારા લોકોને ભીનો - સૂકો કચરો અલગ અલગ ડમ્પ કરવા બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. જે પૈકી એમ.આર.એફ સેન્ટર ખાતે 35 ટકા જેટલો કચરો રી-સાયકલ કરવામાં આવે છે.

પીરાણા ડમ્પીંગ સાઈટને વહેલી તકે અન્ય સ્થળે ખસેડવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં કોર્પોરેશન દ્વારા NAFED સાથે કરાર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે કચરો રી-સાયકલ કરવા માટે બાયો-સીએનજી પ્લાન્ટ માટે MOU પણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા માટે કોર્પોરેશને ચા પ્લાસ્ટિક કપ અને પ્લાસ્ટિકના પાણીના પાઉચ પર પ્રતિબંધ મુક્યો છે.

આ મુદ્દે વાતચીત કરતા અરજદાર કલીમ સિદ્દીકીએ જણાવ્યું હતું કે આશરે 30 વર્ષ જુના પીરાણા ડમ્પીંગ સાઈટને અન્ય સ્થળે ખસેડવા માટે કોર્પોરેશને 3 વર્ષ સુધીનો સમય માંગ્યો છે. પરંતુ, અમારી પિટિશન ડિસપોઝ થઈ નથી. આગામી સમયમાં જો કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો હાઇકોર્ટમાં રજુઆત કરીશું.

ઉલ્લેખનીય છે કે પીરાણા ડમ્પ સાઇટ પાસે હાલમાં કોર્પોરેશન દ્વારા બાયો-માઇનિંગ પ્રોજેકટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી પ્લાસ્ટિકના ભાગ અલગ અને અન્ય કચરો અલગ કરી તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. ગત માર્ચ મહિનામાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની દિલ્હી બેંચે પણ આપેલા ઓર્ડરમાં પીરાણા ડમ્પીંગ સાઈટને આમ જ રાખી શકાય નહિ અને MSWના નિયમ પ્રમાણે તેને બાયો-માઇન કરવાની જરૂર છે. પીરાણા ડમ્પીંગ સાઇટ આશરે 95 લાખ ટન કચરો ધરાવે છે.

અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો વિશેષ અહેવાલ

Last Updated : Jun 25, 2019, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details