અમદાવાદઃ સમગ્ર દેશમાંફેલાયેલા કોરોનાના વ્યાપ વચ્ચે સંક્રમણની સૌથી વધુ ભીંતિ નાનાં બાળકો, વડીલો અને ખાસ કરીને સગર્ભાઓને છે. તેમાંય સગર્ભાઓએ તો એક સાથે બે જીવનું જતન કરવાનું હોય છે. આમ છતાં, આરોગ્ય વિભાગના ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સની જહેમત અને તકેદારી થકી કોરોના પોઝિટિવ સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી હોવાનો વધુ એક કિસ્સો વડનગર ખાતે નોંધાયો છે.
વડનગરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો - Corona positive pregnant in Vadnagar
સમગ્ર દેશમાં ફેલાયેલા કોરના સંક્રમણની સૌથી વધુ અસર નાનાં બાળકો, વડીલો અને ખાસ કરીને સગર્ભાઓને છે. જેમા વડનગરની એક કોરોના પોઝિટિવ મહિલા સગર્ભાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.
![વડનગરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો વડનગરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7237477-372-7237477-1589719166920.jpg)
વડનગરમાં રહેતાં હસુમતિબેન પરમાર પૂરા દિવસે હતાં અને તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે સ્થાનિક કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના તબીબોએ તેમની વિશેષ કાળજીના ભાગરૂપે અલાયદી વ્યવસ્થાઓ કરાવી રાખી હતી. દરમિયાન, હસુમતિબેનને પીડા ઉપડતાં તમામ તકેદારીઓ અને અગમચેતીના પગલાંઓ સાથે સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જ્યાં પ્રસૂતાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.
આ અંગે હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, બંને શિશુ સ્વસ્થ છે અને તેમનું વજન પણ સામાન્ય છે. હાલ માતા અને બંને બાળકો એમ ત્રણેયની તબિયત સારી છે. આ સફળ ઑપરેશન બદલ પ્રસૂતના પરિવારજનો દ્વારા આરોગ્યકર્મીઓની કર્તવ્ય પરાયણતાને બિરદાવવામાં આવી હતી.