અમદાવાદ: શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારોમાં જે સ્થળો પર બજાર ભરાય છે, ત્યાં કારમાં લોકો માલ ભરીને વેચાણ કરતાં જોવા મળે છે. રોડ પરના ભરચક બજારમાં કે હાઇવે પરની મોકળાશવાળી જગ્યાઓ પર કારમાં વેપાર વધી રહ્યો છે. એક તરફ કારમી મોંઘવારી અને મંદી તો બીજી તરફ કોરોના અને લોકડાઉનથી પ્રભાવિત ઘણાં વેપાર ધંધા અનલૉક બાદ પણ શરુ થયા નથી.
કોરોનાની અસરઃ વાહનો બન્યા કમાણીનું સાધન, જાણો કઇ રીતે... - LATEST NEWS OF CORONA OF AHMEDABAD
વિશ્વ મહામારી કોરોના વાઇરસ દુનિયાભરમાં હાહાંકાર મચાવી રહ્યું છે. કોરોનાની સૌથી વધુ અસર આર્થિક વ્યવસ્થા પર પડી છે. તમામ ધંધાઓ ઠપ થઈ ગયા છે, ત્યારે અમદાવાદ શહેરમાં અનેક વેપારીઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. દુકાન માટે ભાંડુ કાઢી શકે તેવી પણ પરિસ્થિતિ ન હોવાથી કારનો સહારો લઈ વેપાર કરી રહ્યા છે.
દુકાનો કે શો રૂમ ન હોય એવા લોકોને ભાડું પોસાતું નથી. જેથી કારમાં જ વસ્તુઓ ભરી માર્ગો પર ઉભા રહી માલનું વેચાણ શરૂ કરી દીધું છે. શહેરના વાડજ વિસ્તારમાં રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતા પ્રદીપ જાધવે ભાડું પોસાતું ન હોવાને કારણે માલવાહક ટેમ્પો તૈયાર કરી માર્ગ પર જ વેપાર શરુ કરી દીધો છે. સરદાર નગરમાં રહેતા રવિ રંગલાની ઇકો કારમાં ટ્યુબ લાઇટ, બલ્બ જેવો ઇલેક્ટ્રીકનો સામાન વેચીને ગુજરાન ચલાવી રહ્યા છે.
બાપુનગરમાં રોજ પચાસ હજારનું કાઉન્ટર ધરાવતી દુકાન ચલાવતા લક્ષ્મણ પ્રજાપતિ કહે છે કે, હાલના સંજોગોમાં ભાડું પણ નીકળે એવી સ્થિતિ નથી. આ સાથે દીકરીની ગંભીર બિમારીનો ખર્ચ આવી ચઢ્યો છે. આ પરિસ્થિતિમાં ભાડા ભરવાને બદલે રસ્તા પર ગાડીમાં જ વેપાર શરું કર્યો છે.