ન્યૂઝ ડેસ્ક : સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોને લઇને લોકો ઉત્સાહિત હતા અને કોરોનાને ભુલી તહેવારોની ઉજવણી કરવામાં મગ્ન હતા. જે દરમિયાન લોકો કોવિડ ગાઇડલાઇનને નેવે મૂકીને બેદરકાર બન્યા હતા. જે કારણે શહેરમાં કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે અને શહેરમાં દરરોજ 200થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા 60 કલાક માટે કરફ્યુ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, શહેરમાં દુધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે.
અમદાવાદમાં 60 કલાકથી વધુ કરફ્યૂ
અમદાવાદની મહત્વની જવાબદારી રાજ્ય સરકારે સિનિયર IAS અધિકારી રાજીવ ગુપ્તાને સોંપવામાં આવી છે. જ્યારે ગુરૂવારે રાજીવ ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી જાહેરાત કરી હતી કે, હવે 20 નવેમ્બર સવારે 9:00થી સોમવાર 23 નવેમ્બરના સવારના 6 કલાક સુધી સંપૂર્ણ અમદાવાદમાં કરફ્યૂ રહેશે. એટલે કે અમદાવાદમાં 60 કલાક સંપૂર્ણ કરફ્યૂ રહેશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 6 દિવસ(14-19 નવેમ્બર) સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસ
- 14 નવેમ્બર - 198 કેસ
- 15 નવેમ્બર - 202 કેસ
- 16 નવેમ્બર - 210 કેસ
- 17 નવેમ્બર - 218 કેસ
- 18 નવેમ્બર - 207 કેસ
- 19 નવેમ્બર - 230 કેસ
- કુલ 6 દિવસમાં 1265 કેસ નોંધાયા