અમદાવાદઃછેલ્લા ઘણા સમયથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દિવસે ભારે ગરમી તો રાત્રે ઠંડીનો અનુભવ થવાના કારણે શરદી-ઉધરસના વાઈરલ ઈન્ફેક્શનના કેસ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન તંત્ર પણ દોડતું થયું છે. શહેરમાં દૈનિક 9,000 જેટલા OPD કેસ નોધાઈ રહ્યા છે. આમાંથી 1,800 તો માત્ર વાઈરલ ઈન્ફેક્શનના જ કેસ છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના પણ 46 જેટલા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃH3N2 Variant: રાજ્યમાં નોંધાયા 26 કેસ, પ્રધાન સુધાકરે કહ્યું - સાવચેતી જરૂરી, માસ્ક પહેરવા સુચના
કોરોના 46 કેસ નોંધાયાઃકૉર્પોરેશનના હેલ્થ ઑફિસર ડૉ ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી કોરોના કેસમાં રાહત જોવા મળી હતી. સિંગલ ડિઝિટમાં કેસ નોંધાઈ રહ્યા હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 7 દિવસમાં 46 જેટલા કેસ સામે આવ્યા છે. જેમાંથી 13 બહારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસ છે. જેમાંથી એક દર્દી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જ્યારે બાકીના તમામ લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં જોધપુર, થલતેજ, નવરંગપુરા વોર્ડની અંદર સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
કુલ 49 એક્ટિવ કેસઃશહેરમાં હાલમાં કોરોનાના કુલ 49 એક્ટિવ કેસ છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો, ઉત્તરપશ્ચિમ ઝોનમાં 16, મધ્ય ઝોનમાં 4, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 15,, પશ્ચિમ ઝોનમાં 10, દક્ષિણ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 2 કેસ મળીને કુલ 49 કેસ એક્ટિવ છે. આમાંથી જાન્યુઆરી મહિનામાં 36 કેસ નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 24 કેસ અને માર્ચમાં અત્યાર સુધી 46 જેટલા કેસ નોંધાયા છે. જે પ્રમાણે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તે ચિંતાજનક ગણાવી શકાય છે.
વાઈરલ ઈન્ફેક્શનમાં પણ વધારોઃછેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આના કારણે બેવડી ઋતુ અનુભવાય રહી છે. આના કારણે શહેરમાં શરદી, ઉધરસના કેસો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કૉર્પોરેશન સંચાલિત 82 અર્બન હેલ્થ સેન્ટરમાં રોજના 9,000 જેટલા OPD કેસ નોંધાઈ રહ્યા છે. આમાંથી 1,800 કેસ વાઈરલ ઈન્ફેક્શનના જોવા મળી રહ્યા છે. જેમાં ચાલુ માસ દરમિયાન સ્વાઈન ફ્લૂના 3 કેસ નોંધાયા છે. તો ઝાડા ઊલટીના 70, કમળાના 28, ટાઈફોઈના 63 કેસ નોંધાયા છે.
માસ્ક પહેરવાની અપીલઃમ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્યના અધિકારીઓ દ્વારા પણ શહેરની જનતાને અપીલ કરવામાં આવી છે કે, હાલમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આના કારણે આવા ઈન્ફેક્શનથી બચવા બની શકે તેટલા ગરમ પાણીના કોગળા કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અન્યને પણ ઈન્ફેક્શન ન લાગે તે માટે માસ્ક પહેરવું પણ જરૂરી બની ગયું છે. બીજી તરફ ભીડવાળી જગ્યામાં જવાનું શક્ય હોય તો ટાળવું. જો શરદી-ઉધરસના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને સંપર્ક કરવો જેવી સૂચનાઓ આપવામાં આવી છે.