- પીરાણા આગની ઘટનાને લઇ કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર
- 2014-16માં આગથી 687 જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા
- આગથી 2014થી 16સુધીમાં 4,019 શ્રમિકો ઇજાગ્રસ્ત
અમદાવાદ: પીરાણા પીપળજ આગની ઘટનામાં ફોજદારી ગુનો દાખલ કરી જવાબદારો સામે પગલાં લેવાની કોંગ્રેસે માગ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઇ રહ્યા છે. નિદોર્ષ કામદારોના મૃત્યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલાં ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપા સરકાર ભીનુ સંકેલી રહી છે.
ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે
ઔદ્યોગિક ક્ષેત્રે સલામતી વ્યવસ્થામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજ
ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને કારણે ગુજરાતમાં વર્ષ 2014-16માં 687 જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 4,019 જેટલા શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદમાં પીરાણા, પીપળજ રોડ પર આવેલા સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતાં 12 નિર્દોષ વ્યકિત્તઓના મૃત્યુમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. નિર્દોષ કામદારોના મૃત્યુ ન થાય તે માટે ગેરકાયદેસર ચાલતા આવા કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર ભીનુ સંકેલી રહી છે.
અમદાવાદ - ગેરકાયદેસરની કેમિકલ ફેકટરીઓના તાર CM કાર્યાલય સુધી પથરાયેલા છે - કોંગ્રેસ તંત્ર હપ્તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ ગઈ છે - કોંગ્રેસ
ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકાતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. તેવો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક કેમિકલ કં૫નીઓમાં ફાયર અને અન્ય સેફટીની પૂરતી સુવિધાઓ નથી. ફાયર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રના અધિકારીઓ આવી ગંભીર દુર્ઘટના બન્યા બાદ હરકતમાં આવે છે અને બે-ચાર દિવસ દેખાવ કરવા પુરતા પગલાંઓ લેતા હોય છે, ફરીથી તંત્ર હપ્તાઓ લઈને ઘોર નિદ્રામાં સૂઈ જાય છે. પરિણામે આવી ગંભીર ઘટનાઓ બને અને નિર્દોષ શ્રમિકો જાન ગુમાવે ત્યારે સરકાર મૃતકના પરિવારજનોને બે-ચાર લાખની સહાય આપીને સંતોષ માને છે.
તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થતી ન હોવાથી દુર્ઘટના સર્જાય છે - કોંગ્રેસ
રાજ્યમાં 31,500 ફેક્ટરીઓમાં 16.93 લાખ શ્રમિકો કામ કરે છે, આવી ફેકટરીઓ પૈકી બોઈલર ઈન્સ્પેકટરો દ્વારા દર વર્ષે માત્ર બે-ત્રણ હજાર ફેકટરીઓ કારખાના કે કંપનીઓમાં બોઈલરની તપાસ દરમ્યાન બોઈલરોના પ્રેશર પાર્ટસ જેવા કે, ટયુબોમાં લીકેજ, ક્રકિંગ અને વેસ્ટિંગ તેમજ ફરનેસ શેલમાં બલ્જીંગ, ક્રેકિંગ, પિટિં, વેસ્ટિંગ જેવી ખામીઓ જોવા મળે છે. તેમ છતાં તમામ ફેકટરીઓ, કારખાનામાં બોઈલર ઈન્સ્પેકટરો દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. ઔદ્યોગિક એકમોની ચકાસણી માટે સરકાર પાસે 50 ટકા પણ કર્મચારી નથી.
ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં કુલ મૃત્યુઆંક 1239 પર
અમદાવાદ 161, સુરત 203, ભરૂચ 152, વલસાડ 116 અન્ય જિલ્લા 507 તેમજ કુલ મૃત્યુઆંક 1239 પર પહોંચ્યો છે. છેલ્લાં ચાર અઠવાડિયામાં આઠથી વધુ ઔદ્યોગિક અકસ્માતોમાં 24 થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં 203 શ્રમિકો, અમદાવાદમાં 161 શ્રમિકો, ભરૂચમાં 152 શ્રમિકો, વલસાડમાં 116 શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં 507 શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ 1,239 જેટલા શ્રમિકોએ છેલ્લા પાંચ વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યાં માત્ર કહેવા પૂરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ – ભ્રષ્ટાચારની નીતિ રીતિ ને કારણે શ્રમિકોને જીવ ગુમાવવાની દુર્ઘટનાઓ બની રહી છે.
અકસ્માતમાં શ્રમિકોના મોતના આંકડાઓમાં ગુજરાત નંબર વન - કોંગ્રેસ
શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સીરામિક, હીરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે લઈને સંત્રી સુધી જવાબદારી ફિક્સ કરીને સખત પગલા ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતમાં શ્રમિકોના મોતના આંકડાઓમાં ગુજરાત નંબર વન બનવા પાછળ ચૂંટણી ફંડમાં કરોડો રૂપિયાના વ્યવહારોના કારણે ભાજપ સરકારના આશીર્વાદથી આવી ગેરકાયદેસર ફેકટરીઓ ધમધોકાર ચાલી રહી છે.