- અમિત ચાવડાએ સી.આર પાટીલ પર કર્યો કટાક્ષ
- ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો માર્યો
- ભાઉ બોલે તે પહેલા સ્ક્રિપ્ટ મંજૂર કરાવી લેવીઃ અમિત ચાવડા
અમદાવાદ: પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યા બાદ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી સી.આર પાટીલે કહ્યું હતું કે, ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યપ્રધાન રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. ગુજરાતના ભાજપના પ્રમુખ પદે આવ્યા બાદ સી.આર. પાટીલે કરેલા બેફામ જાહેર નિવેદનોના કારણે સરકાર અને સી.આર.પાટીલ વચ્ચે આંતરિક વિવાદ ઉભો થયો હતો. જોકે આ અંગેની ફરિયાદ ગૃહપ્રધાન અમિત શાહ સુધી પણ પહોંચી ગઇ હતી. અમિત શાહે સરકાર અને સી.આર. પાટીલને સમજાવીને પેટાચૂંટણીમાં લાગી જવા આદેશ કર્યા હતા. પાટીલે પક્ષ અને સરકાર વચ્ચે કોઇ મતભેદ ન હોવાની સ્પષ્ટતા કરી હતી.
ધારાસભ્યોને ખરીદવાનું કામ અમારું નહીં : સી.આર પાટીલ
સી.આર પાટીલે કહ્યું હતું કે, ધારાસભ્યોને ખરીદવાનું કામ અમારું નહીં. ત્યારબાદ કોંગ્રેસે કેટલાક કટાક્ષ કર્યા હતા. સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ ન હોવાની વાત સી.આર પાટીલે કરી હતી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેવામાં હવે કોંગ્રેસે ભાજપ પર વળતા પ્રહાર કર્યા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો મારતા જણાવ્યું કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અક્ષય પટેલે થોડા સમય પહેલાં કબૂલાત કરી હતી કે, 2019ની ચૂંટણી પહેલા તેમને 52 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા માટે ઓફર થઈ હતી. આ મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપને ટોણો માર્યો છે.