અમદાવાદ :અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજમાં કરવામાં આવેલી ગેરરીતીના કારણે બ્રિજને સંપૂર્ણ તોડી દેવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે બ્રિજ બનાવતા સમયે ગેરરીતી આચરીને કોર્પોરેશન સાથે ઠગાઈ આચરનાર એજન્સીના ડાયરેક્ટરો સામે કોર્પોરેશનના અધિકારીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલે પોલીસે અજય એન્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ તેમજ એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
હાટકેશ્વર બ્રિજ :ખોખરા હાટકેશ્વર રોડ ઉપર હાટકેશ્વર બ્રિજ અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા ખામી યુકત જાહેર કરી તે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના મળતા અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી સીટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા ઓફીસર જીગ્નેશ શાહે ફરિયાદ નોંધાવી છે. અજય એન્જી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર તેમજ ચેરમેન રમેશ પટેલ તેમજ ડાયરેક્ટર રસિક પટેલ ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ સહિત જે પણ લોકો આ બ્રિજ બનાવવાની કામગીરીમાં જોડાયા હોય તે એજન્સીના તમામ લોકો તેમજ એસ.જી.એસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અમિત ઠક્કર, શશીભૂષણ જોગાની તેમજ પ્રોજેક્ટ એન્જિનિયર નીલમ પટેલ તથા એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના બ્રિજની કામગીરી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે.
નબળા મટીરીયલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો હાટકેશ્વર બ્રિજ :બંન્ને એજન્સીના આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરુ રચી અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારીઓનો વિશ્વાસ મેળવી ખોખરા હાટકેશ્વર રોડ ઉપર હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે 39 કરોડ 87 લાખ 35 હજાર 123 રૂપિયાનુ ટેંડર મંજુર કરાવ્યું હતું. જે બ્રિજ બનાવવા માટે નીયત ગુણવત્તા વાળુ મટીરીયલ ઉપયોગ કરવુ જોઇએ તેની જગ્યાએ નબળી કક્ષાનુ મટીરીયલ ઉપયોગ કરી નબળી ગુણવત્તાવાળો હાટકેશ્વર બ્રિજ બનાવ્યો હતો.