મેન્યુઅલ સ્કેવેજિંગને લગતા કેસમાં જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, ગટર કે ટાંકા સાફ કરતી વખતે કર્મચારીઓના મોત ન નીપજે તેના માટે સુચના સાથેના પરિપત્ર બહાર પાડવમાં આવ્યા છે. જેમાં કોઈપણ કર્મચારીને સાફ કરવા માટે ગટર કે ટાંકામા ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે. આ નિયમોનું અમલ કરાવા મુદે ચીફ મ્યુનિસિપલ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. આ મુદ્દે શું કામગીરી કરવામાં આવી તેના પર નજર રાખવા યોગ્ય સમયે મીટીંગનું પણ આયોજન કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબ મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યકત કર્યો હતો. સરકારને ફરીવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પહેલા પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને ગટર કે ટાંકા સાફ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવવામાં આવ્યા છે કે કેમ, કેટલા લોકો મૃત્યું પામ્યા છે. અને શું વળતર ચુકવવામાં આવ્યું છે. સહિતની વિગતો રિપોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે.