કોલેજના વિદ્યાર્થીઓ ધ્યાન આપોઃ ગુજરાત યુનિવર્સિટીની 25 જૂને યોજાનારી પરીક્ષા મોકૂફ - જગદીશ ભાવસાર
ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા કોરોના વાયરસના પ્રકોપના કારણે હવે પાછળ ઠેલવામાં આવી છે. હવે યુનિવર્સિટીની પરીક્ષાઓ 10 જૂલાઈ બાદ લેવાશે. જણાવી દઈએ કે, પહેલાં આ પરીક્ષાઓ 25 જૂનથી શરૂ થવાની હતી. જેને લઇને વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના ડીન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. પરીક્ષા અંગે UGC ગાઈડલાઈનનું ગુજરાત યુનિવર્સિટી પાલન કરશે. ત્યારે કોલેજના પહેલાં, બીજા વર્ષના વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન મળશે. છેલ્લાં સેમેસ્ટર અને ઇન્ટરનલનું 50-50 ટકા મૂલ્યાંકન કરાશે. કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન થશે. વિદ્યાર્થીઓને નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થાઓ થશે. પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ષ-1 અને 2ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. ગુજરાત યુનિવર્સિટી ફાઇનલ વર્ષના 97 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે.