અમદાવાદ: 'ગ્રીન અમદાવાદ, ક્લીન અમદાવાદ' અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાની દિશામાં કામગીરી કરી રહ્યું છે. એક સમય હતો જ્યારે અમદાવાદ શહેર વાયુ પ્રદૂષણના ઊંચા પ્રમાણને કારણે ચર્ચામાં રહેતું હતું. જ્યારે આજે એક પછી એક વિકસતા જતા ઓક્સિજન પાર્કને કારણે પ્રદુષણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
104 ઓકિસજન પાર્ક:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ગ્રીન કવર વિસ્તારને 15 ટકા સુધી લઈ જવાના લક્ષ્યાંક માટે સતત કાર્યરત છે. અમદાવાદને ક્લીન સિટી ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે વિવિધ વિસ્તારોમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવી રહ્યાં છે. જે શહેરનાં ફેફસાં સમાન છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 104 જેટલા ઓક્સિજન પાર્ક કોર્પોરેશન દ્વારા નિર્માણ કરાયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ ઓક્સિજન પાર્ક આવેલ છે. જેમાં મધ્ય ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 27, પશ્ચિમ ઝોનમાં 17, ઉત્તર ઝોનમાં 13, દક્ષિણ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 14, અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22 જેટલા ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.
15 ટકા ગ્રીન કવર કરવાનો લક્ષ્યાંક:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનો ગ્રીન કવર એરિયા 15 ટકા સુધી જવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે.
શહેરનું ગ્રીન કવર 2012માં 4.66 ટકા હતું જે વધી હાલમાં 12 ટકા સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને હરિયાળું બનાવવાના ભાગરૂપે 'મિશન મિલિયન ટ્રી' અભિયાનનો શુભારંભ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા વર્ષોમાં બનાવવામાં આવેલ ઓક્સિજન પાર્ક પર નજર કરવામાં આવે તો તો વર્ષ 2019-20 માં 50, વર્ષ 2020-21 માં 24, વર્ષ 2021-22 માં 29 અને વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 2 ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે.
ઓક્સિજન પાર્કની અલગ જ વિશેષતા:ઓક્સિજન પાર્કની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ઓક્સિજન પાર્કમાં તાપમાન સામાન્ય વિસ્તાર કરતાં 4 થી 5 ડિગ્રી ઓછું રહે છે. જેથી અહીં ખૂબ ઓછી ગરમી લાગે છે. આ ઉપરાંત ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણો પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં નયનરમ્ય તળાવ, આકર્ષક લોન તથા ચાલવા માટેનો વોકિંગ ટ્રેકનો સમાવેશ થાય છે. આ સાથે બાળકો માટે અવનવા રમતગમતના સાધનો પણ મુકાયા છે. ફિટનેસ માટે અહીં એક અનોખું જીમ્નેશિયમ પણ હોય છે. યોગ માટે એક સ્પેશિયલ યોગ પોઇન્ટ બનાવવામાં આવે છે.
- World Environment Day : અમદાવાદીઓને મળશે ઓક્સિજન પાર્કની ભેટ, આકર્ષણ વસ્તુથી બનશે અનોખું
- Surya Gujarat Yojna: સોલાર રૂફ ટોપ યોજના 'સૂર્ય ગુજરાત' અંતર્ગત વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે