કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અમદાવાદ:કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં ગધાભાઈની ચાલી, પીરબાઇ ધોબીની ચાલીમાં શનિવારે મોડી રાત્રે સ્થાનિકો અને કિન્નરો વચ્ચે જૂથ અથડામણની ઘટનામાં પોલીસે ગુનામાં સામેલ કિન્નરો અને સ્થાનિકોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સ્થાનિક લોકો અને સ્થાનિક કિન્નરો વચ્ચે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘર્ષણ ચાલતું હતું અને શનિવારે બે ઘટનાઓએ આકાર લીધો હતો.
કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણ: ગધાભાઈની ચાલીમાં ઘણા સમયથી કિન્નરોનું જૂથ અને સ્થાનિક અલગ અલગ કોમના લોકો વસવાટ કરે છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું અને શનિવારે કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિને પત્ની સાથે ઝઘડો થતો હતો. તે ગાળા ગાળી કરતો હોય ત્યાં નજીકમાં ઉભેલા કિન્નર આયેશાબાનું ઉર્ફે સલ્લુ દેને કનુભાઈ ઓડ પોતાને ગાળો આપતા હોય એવું લાગતા તેણે પોતાના અન્ય સાથી કિન્નરોને બોલાવીને કનુ ઓડ ઉપર હુમલો કર્યો હતો.
12 ઈસમોની ધરપકડ: આ અંગે કાગડાપીઠ પોલીસે સામ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ સલ્લુ આશિયાના દે, અવેજ શેખ, જોયા દે ઉર્ફે બોબડી, ફૈઝલ શેખ, સુલેમાન ઉર્ફે ગાંડો, નરેશ ચૌહાણ, લક્ષ્મી, શીતલ ફૈઝલ, તેમજ સામે પક્ષે કિરણ વાઘેલા, ગંગાભાઈ વાઘેલા, પીન્ટુ ઉર્ફે જાડિયો ચૌહાણ, આદિત દંતાણી, આકાશ ઓડ, જયેશ ઓડ, રોહિત દંતાણી, હિતેશ ઓડ, સાગર ઓડ, હિતેશ ઓડ, તેમજ 100 થી 150 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે અને ગુનામાં સામેલ 12 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.
'છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્થાનિક લોકો અને સ્થાનિક કિન્નરો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. શનિવારે બે ઘટનાઓ બની છે, જેમાં કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિ પર કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે જ બાબતની અદાવત રાખીને રાતના સમયે સ્થાનિક લોકોએ ભેગા મળીને કિન્નરો પર હુમલો કરીને તેઓની બુલેટ ગાડી સળગાવી હતી. બંને પક્ષો સામ સામે આવી જતા પોલીસની ટિમે સ્થળ ઉપર પહોંચીને ગુનામાં સામેલ બંને પક્ષના આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની કોમી અથડામણ થઈ નથી.' -મિલાપ પટેલ, ACP, કે ડિવિઝન
પોલીસ ઘટના સ્થળે: તે જ બાબતની અદાવત રાખીને સ્થાનિક લોકોએ રાતના 10 વાગ્યે સ્થાનિકોએ ભેગા થઈને કિન્નરો સાથે ઘર્ષણ કરીને એક તેઓનું બુલેટ મોટર સાયકલ સળગાવ્યું હતું. એક ઘરમાં પણ આગ લગાડી દીધી હતી જે બાદ બંને પક્ષો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતા ઝોન 6 DCP અશોક મુનિયા, કે ડિવિઝન ACP મિલાપ પટેલ, જે ડિવિઝન ACP પ્રદીપસિંહ જાડેજા, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI જી.જે રાવત, નારોલ PI આર.એમ ઝાલા સહિત 100 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ સ્થળ ઉપર પહોંચીને ગુનામાં સામેલ આરોપીઓની અટકાયત કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
સ્થાનિક લોકોનો આરોપ:સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નર ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે. અસમાજિક પ્રવુતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝગડો કરતા હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ વિસ્તારમાં સ્થાનિકો સાથે મારામારી કરી રોફ જમાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ કિન્નરોના ત્રાસના કારણે લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી છે.
- Ahmedabad Crime: જમાલપુરમાં કિન્નરો અને સ્થાનિક જૂથ અથડામણ, પોલીસે ગુનો નોંધ્યો
- Ghazipur News : અંસારીના સહયોગી અમિત રાયની ધરપકડ, સમર્થકો છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં કર્યો હંગામો