અમદાવાદના નાગરિકો સજાગ બન્યા, મોટાપાયે લોકો કરાવી રહ્યા છે કોરોના રેપીડ ટેસ્ટ
અમદાવાદમાં નાગરિકો કોરોના અંગે સજાગ બન્યા છે. પોતાની આસપાર કોરોના પોઝિટિવ કેસ આવતા હવે લોકો જાતે પોતાનો કોરોના રેપિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના છેલ્લા આંકડા મુજબ કુલ 1,17,709 કેસો નોંધાયા છે. જેમાં 3259 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં 34,237 કોરોનાના કેસ છે. જ્યારે 1769 લોકોના મોત થયા છે.
અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અમુક વિસ્તારોમાં ઘણા બધા લોકો કોરોના પોઝિટિવ આવતા, તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પોતાની આસપાસના લોકોને કોરોના સંક્રમિત જોતા નાગરિકો હવે વધુ સજાગ બન્યા છે અને પોતે પણ કોરોના પોઝિટિવ છે કે કેમ ? તેની ચકાસણી કરાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં રેપિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં મોટાપાયે નાગરિકો ટેસ્ટ કરાવવા પહોંચે છે. દરરોજના એક સેન્ટર ઉપર લગભગ 200 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એવરેજ 16 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. તેમને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં રીફર કરી આપવામાં આવે છે.