- 104 હેલ્પલાઇન સેવાનો 2.78 લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો
- 1700 ધન્વંતરી રથ દ્વારા ડોર સ્ટેપ OPD સેવાઓ ઘર આંગણે મળતી થઇ
- અમદાવાદમાં 700 સંજીવની રથ દ્વારા ત્રણ હજાર કોલ્સ એટેન્ડ કરાયા
- અમદાવાદમાં 125થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ પ્રક્રિયા શરૂ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ તેમજ રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ અને સારવાર સુવિધાની સજ્જતાનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવા દેશના 8 રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ બેઠકમાં જોડાયા હતા.
કોરોના વિશે ગુજરાતની તમામ માહિતી આપાઇ
સીએમ વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પીએમ મોદીને આપી હતી. જેમાં હજુ 45 ટકા જેટલા બેડ ખાલી હોવાની વિગત પીએમ મોદીને આપવામાં આવી હતી.
કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે. રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે.
હજી 45,000 બેડ ખાલી
સમગ્ર રાજ્યમાં અંદાજે 55 હજાર આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. આ બેડમાંથી 82 ટકા એટલે કે, 45 હજાર જેટલા બેડ હજુ પણ ખાલી છે, એટલે કે, સંક્રમિતો માટે સરળતાએ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે.