અમદાવાદ: સાયન્સ સિટીના આકર્ષણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું હતું.
2005માં સાયન્સ સિટી ખાતે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
શું છે ખાસ:50 મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, 800 જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને 15 કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી 600થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે. એટલું જ નહીં, ૩૬x૧૬ મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે ૧૬x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને 3D પ્રોજેક્શનમાં 70 મીટરની 3 સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે.