અમદાવાદ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પીરાણાથી રાજ્યકક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ - 2023નો પ્રારંભ કરાવ્યો છે. જેનો હેતુ રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાનો છે.
રવિ પાકોના ઉત્પાદન અંગે અપાશે સમજ:રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ પાકોના ઉત્પાદન અંગે વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવશે તેમજ તેમને ખેડૂતલક્ષી યોજનાઓથી માહિતગાર પણ કરાશે. સાથોસાથ સેવાસેતુ અને પશુ આરોગ્ય મેળાઓ પણ યોજાશે. આ મહોત્સવ અંતર્ગત ગુજરાતના પ્રત્યેક તાલુકામાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, મોડલ ફાર્મ્સની મુલાકાત, ખેતઓજારોનું વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.
ખેડૂતોને કરાયા સન્માનિત:આજના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન/બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંતર્ગત સાધન-સહાયનું વિતરણ કર્યું હતું તથા બાગાયત પાકો અંગેની પ્રદર્શનીની મુલાકાત લીધી હતી.
ગુજરાતે કૃષિ ક્ષેત્રે ડબલ ડિજીટ ગ્રોથ હાંસલ કર્યો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં જ્યારે ખેડૂતો ખેતી છોડી રહ્યા હતા ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાઓ યોજવાની શરૂઆત કરી હતી. 'લેબ ટુ લેન્ડ'ના અભિગમ સાથે કૃષિ સંશોધનોને ખરા અર્થમાં જમીન પર લાવવા અને તેનો મહત્તમ લાભ ખેડૂતોને પહોંચાડવાના ઉદ્દેશ સાથે વર્ષ 2005થી શરૂ કરવામાં આવેલા કૃષિ મહોત્સવોએ ખરા અર્થમાં કૃષિ ક્રાંતિ સર્જી છે. 15 જેટલા કૃષિ મહોત્સવોમાં 2 કરોડ જેટલાં ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું છે અને કૃષિ ક્ષેત્રે પછાત ગણાતું ગુજરાત ડબલ ડિજીટ ગ્રોથ મેળવવામાં સફળ થયું છે.
દેશના કૃષિ મંત્રાલયનું નામ બદલીને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે. હાલ દેશમાં પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત નાના-સીમાંત ખેડૂતોને વાર્ષિક 6,000ની સહાય આપવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા, વ્યાજ મુક્ત લોન સહાય, પોષણક્ષમ ટેકાના ભાવ, આફતના સમયે યોગ્ય રાહત પેકેજ સહિતના અનેકવિધ ખેડૂત હિતકારી નિર્ણયોના પગલે આજે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ બદલાઈ છે. રાજ્યના 11 જિલ્લાઓમાં 4.25 લાખ હેકટર વિસ્તારમાં બાજરાનું વાવેતર થયું છે તથા માર્કેટમાં બાજરો, રાગી, કાંગ, જુવાર જેવા બરછટ ધાન્યોની માંગ વધી છે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
છેલ્લાં દસ વર્ષથી વીજળી દરોમાં કોઈ વધારો નહિ: આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રયાસોને પરિણામે ગુજરાત આજે કૃષિ વિકાસમાં અગ્રેસર છે. ખેડૂતોને સસ્તા દરે વીજળી મળી રહે એ માટે સરકારે છેલ્લાં દસ વર્ષથી વીજળી દરોમાં કોઈ વધારો કર્યો નથી. કૃષિ ઉત્પાદન વધારવા સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે રાજ્ય સરકારે ટેકાના ભાવો જાહેર કરીને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા તથા આવક બમણી કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
કૃષિ મેળાઓ અને કૃષિ મહોત્સવને પરિણામે અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પણ અદ્યતન કૃષિ પદ્ધતિઓ પહોંચી છે. આજે લોકો આધુનિક સાધનો સાથે ખેતી કરતા થયા છે અને આત્મનિર્ભર બન્યા છે. સરકારના સકારાત્મક અને પ્રોત્સાહક પ્રયાસોને કારણે કૃષિ ક્ષેત્રને બહુ મોટું બળ મળ્યું છે. - દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજ્યમંત્રી
- માલધારીઓમાં આક્રોશ; પૂર્વ કમિશ્નરે રખડતા પશુઓ માટે ઘરદીઠ 200 રૂપિયા ઉઘરાવી કરોડો ભેગા કર્યા એનું શું કર્યું ?
- સુરતને બદસુરત કરનાર લોકો પર તવાઈ, મનપા સ્કવોડ દ્વારા ગંદકી કરનારાઓને 3.24 લાખનો દંડ ફટકાર્યો