મેજીસ્ટ્રેટને કોર્ટમાં છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રજા અપાઈ - એસ.વી.પી. હોસ્પિટલ
અમદાવાદ: મેટ્રોપોલિટન સંકુલમાં આવેલી ચેક રિર્ટનની કોર્ટમાં મેજિસ્ટ્રેટ ડાયસ પર હતા. ત્યારે જ છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી 108ને જાણ કરવામાં આવી હતી. પરંતુ 108 સમયસર ન પહોંચી શકતા ખાગની ગાડીમાં પોલીસ વાનના પાઇલોટીંગ સાથે મેજિસ્ટ્રેટને એસ.વી.પી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબીયત સારી થતા તેમને રજા આપી દેવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે.
મેટ્રોપોલિટન કોર્ટ સંકુલમાં આવેલી 32 નંબરની (ચેક રિર્ટન) કોર્ટમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એચ.પ્રજાપતિ સવારે કોર્ટમાં આવી પોતાના કામની શરૂઆત કરી હતી. તેઓ ડાયસ પર હતા ત્યારે જ તેમને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. જેથી ત્યાં હાજર સ્ટાફ અને વકીલોએ તાત્કાલીક 108ને જાણ કરી હતી. જો કે, 108 આવે તે પહેલાં જ એડવોકેટ અશોક ચૌહાણ સહિતના લોકો તેમને નીચે લઇ ગયા હતા. અને એક ખાનગી કારમાં પોલીસ પાઇલોટીંગ સાથે તેમને એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબીયત સારી જણાતા રજા આપી દેવામાં આવી છે. કોર્ટ સ્ટાફના જણાવ્યા અનુસાર, હાલ જે કોર્ટ છે. તેમાં વેન્ટિલેશનની જગ્યાનો અભાવ છે. તેથી અગાઉ પણ જજે આ કોર્ટની જગ્યા બદલવા રજૂઆત કરી હતી. પરંતુ કોર્ટ બદલવામાં આવી ન હતી. મેજિસ્ટ્રેટ આર.એચ.પ્રજાપતિએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો હતો. ઉપરાંત જન્માષ્ટમી અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી તેઓ સવારે ભૂખ્યા હતા. આ દરમિયાન ગેસ થઇ ગયો હતો અને તે ઉપર સુધી પહોંચી જતા તેમને છાતીમાં દુઃખાવો થયો હતો. હાલ તેમની સ્થિતિ સામાન્ય છે.
ઉલ્લેખનીય છે કે, મેટ્રોકોર્ટમાં પાર્કિંગની જગ્યામાં લોકો બેફામ વ્હીકલ પાર્ક કરી જતા રહે છે. જેથી ચાલવાની પણ જગ્યા મળતી નથી. આવી કોઇ ઘટના બને ત્યારે એમ્બ્યુલન્સને પણ અંદર આવવાની જગ્યા મળતી નથી. જેથી જેને ખરેખર ઝડપી એમ્બ્યુલન્સની જરૂર છે. તેમને તે સેવા મળતી નથી. જો પાર્કિંગનો પ્રશ્ન હલ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મુશ્કેલી સર્જા તેવી શક્યતા છે.