અમદાવાદ: સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 39 દિવસથી સનાથલ ચોકડી પાસે હેલ્થ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી.બસ તથા ખાનગી વાહનોમાં આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આ હેલ્થ ચેકપોસ્ટ પર સોમવારે 39 એસ.ટી.બસ, 09 ખાનગી બસ અને 03 ખાનગી કાર સહિત કુલ 51 વાહનોના પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરીને કુલ 650 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 05 વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સનાથલ ચોકડી ખાતે ઉભી કરાવામાં આવેલી હેલ્થ ચેકપોસ્ટ ખાતે કોર્પોરેશનની સાત ટીમ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓનું સનાથલ ચોકડી ખાતે થાય છે કોરોના ટેસ્ટિંગ
રાજ્યમાં ફેલાઇ રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોના ટેસ્ટ વધુને વધુ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશ માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તથા વારાફરથી વાહનમાં સવાર પ્રવાસીઓના ટેસ્ટિંગ કરવામાં આવે તે માટેનો જરૂરી સહકાર આપવામાં આવી રહ્યો છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા અહીંયા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા પ્રવાસીને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવે છે. ત્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ પ્રવાસીઓને આપવામાં આવે છે.
આમ કોરોનાનું શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે ધન્વંતરી રથ, ઘરે- ઘર સર્વેલન્સ સાથે હવે શહેરમાં બહારગામથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ થાય તે માટે આ હેલ્થ ચેક પોસ્ટ ઉપયોગી સાબિત થઇ રહી છે.