અમદાવાદ :સારંગપુર ન્યુ ક્લોથ માર્કેટ ખાતે કે.સમરથમ નામની ફર્મ ધરાવી કોટન શુટીંગ ફેબ્રિકના વેપારી સાથે ઠગાઈનો બનાવ બન્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતા અને કોટન શુટીંગ ફેબ્રિકનો વેપાર કરતા જનકકુમાર સંઘવી સાથે રુપીયા એક કરોડથી વધુની ઠગાઈ થઈ હતી. આ મામલે વેપારીએ કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફેબ્રિકનો વેપાર : ફરીયાદી સાબરમતી વિસ્તારમાં રહે છે અને સારંગપુર ન્યુ ક્લોથ માર્કેટ ખાતે કે.સમરથમ નામની ફર્મ ધરાવે છે. તેઓ કોટન શુટીંગ ફેબ્રિકનો વેપાર કરતા જનકકુમાર સંઘવીએ ફરિયાદ નોંધાવી છે. તે અનુસાર વેપારી ગ્રે કાપડની ખરીદી કરી તેની ઉપર પ્રોસેસ કરાવીને તૈયાર થતો માલ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વેચાણ કરે છે.
આમ શરુ થયો વેપાર : શહેરના ઈદગાહ સર્કલ પાસે આશાપુરા ક્રિએશન ફર્મના પ્રોપરાઈટર જીતેન્દ્ર રાજપુરોહીત હોલસેલ ભાવે કાપડ લઈને પેન્ટ બનાવતા હોવાથી વર્ષ 2021 માં વેપારીને મળ્યા હતા. જે સમયે વેપારી સાથે ધંધો કરવાનું કહ્યું હતું. વેપારીએ અન્ય વેપારીઓને જીતેન્દ્ર રાજપુરોહીત અંગે પૂછતાં તે સમયસર પેમેન્ટ આપતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીની ઓફિસે આવીને જીતેન્દ્રએ 90 થી 120 દિવસમાં બિલ આપી દેવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં 98 હજારનો માલ ખરીદી તેના પૈસા પણ સમયસર આપી દીધા હતા.
પૈસા માંગતા મળ્યા વાયદા : જીતેન્દ્ર રાજપુરોહીતે વેપારી પાસેથી 4 ફેબ્રુઆરી 2021 થી 8 ઓગસ્ટ 2022 સુધી 46 લાખ 95 હજારથી વધુની માલની ખરીદી કરી હતી. જેમાં ટુકડે ટુકડે 19 લાખ 58 હજાર ચુકવ્યા હતા અને 27 લાખ 36 હજાર ચુકવવાના બાકી હતા. જે પૈસાની વારંવાર ઉઘરાણી કરતા આરોપીએ માત્ર વાયદાઓ આપ્યા હતા.
પહેલે ચોરી ફિર સીનાજોરી :ત્યારબાદ વેપારી આરોપીને રૂબરૂ મળવા જતા આરોપીએ પૈસા નહી મળે થાય તે કરી લો કહીને પૈસા આપવાની ના પાડી હતી. ઉપરાંત હવે પૈસાની માંગણી કરશો તો હાથ પગ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. વેપારી અન્ય વેપારીઓ સાથે આરોપીની ઓફિસે પહોંચ્યા ત્યારે આરોપી ઓફિસ બંધ કરી રાજસ્થાન ભાગી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું. વેપારી તેના વતનમાં પણ ગયા તો ત્યા પણ આરોપી મળ્યો નહોતો.
વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ એસ.આઈ.ટીને સોંપવામાં આવી છે.-- એચ. સી ઝાલા (PI,કાગડાપીઠ પોલીસ સ્ટેશન)
કરોડોની ઠગાઈ : આખરે વેપારીને જાણ થઈ હતી કે, આરોપીએ ફરિયાદની જેમ અન્ય ફર્મ જેમાં તત્વ ટેક્સટાઈલ, સાકાર ટેક્સટાઈલ, શ્રી રાધેશ્યામ સીન ફેબ પ્રાઇવેટ લિમિટેડ, ધર્માજી ટેક્સટાઈલ , ભગવાનજી રૂપચંદ શાહ, આશના એક્ષ્પો, એમ.પી ટેક્સટાઈલ અને શ્રી નાથ સિન્થેટીકના વેપારીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. આરોપીએ અલગ-અલગ સમયે 2.46 કરોડની કિંમતનો માલ ખરીદી 1.37 કરોડ ચૂકવ્યા હતા. બાકીના રૂ. 1.09 કરોડ ન ચૂકવી છેતરપિંડી આચરતા આ મામલે કાગડાપીઠ પોલીસ મથકે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.
- Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ
- Ahmedabad Crime : આર્મીના બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડમાં સામેલ આરોપીઓને પકડવા ક્રાઈમની ટીમ જમ્મુ માટે રવાના