વિદેશી નાગરિકોને લૉન આપવાના નામે ઠગાઈ આચરનાર કોલ સેન્ટર ઝડપાયું અમદાવાદ: કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નવા નરોડામાં સેન્ટમેરી સ્કૂલની બાજુમાં અંબિકા નગર સોસાયટીના એક મકાનમાં ઉપરના માળે નિખંજ વ્યાસ નામનો વ્યક્તિ કેટલાક કર્મચારીઓને નોકરી પર રાખી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે. તે કોલ સેન્ટર થકી વિદેશી બેંકમાંથી બોલતા હોવાનું કહીને અલગ અલગ દેશના નાગરિકોને લોન આપવાના નામે તેઓની ડિટેલ મંગાવીને તેઓના નામથી ખોટો ચેક બનાવી તે ચેકની અંદર કસ્ટમરનું નામ લેપટોપમાંથી એડ કરીને કસ્ટમરના બેંકમાં લોન જમા કરાવાના બહાને પૈસા પડાવે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈને તપાસ કરતા ત્યાંથી બે યુવકો મળી આવ્યા હતા.
મુદ્દામાલ કબજે કર્યો: કૃષ્ણનગર પોલીસે દરોડા પાડતા ત્યાંથી મહેસાણાનો અમિત સથવારા અને કઠવાડાનો દિશાંત જાની નામનો શખ્સ મળી આવ્યો હતો. ત્યાં પોલીસે તપાસ કરતા રૂમમાંથી કોલ સેન્ટરના હિસાબના બે ચોપડા 23 મોબાઈલ ફોન લેપટોપ પેન ડ્રાઈવ અને રાઉટર સહિત ત્રણ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ઝડપાયેલા આરોપીઓ સામે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓને વધુ તપાસ કરતા આ ગુનાનો મુખ્ય સૂત્રધાર નિખંજ વ્યાસ હોય તે પ્રકારની હકીકત સામે આવી હતી.
"બાતમીના આધારે તપાસ કરી બે યુવકોને પકડી પાડવામાં આવ્યા છે. જો કે મુખ્ય આરોપી ફરાર હોય તેને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ છેલ્લા છ મહિનાથી આ જગ્યા ડેટા એન્ટ્રીના નામે ભાડે રાખીને ત્યાં કોલ સેન્ટર ચલાવતા હતા. પકડાયેલા બંને યુવકો ધોરણ 10 અને 12 સુધી ભણેલા હોવાનું સામે આવ્યું છે હાલ વધુ તપાસ ચાલુ છે.-- પી.આઇ એ.જે ચૌહાણ (કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પી.આઇ )
તપાસ માટે એફએસએલમાં: મુખ્ય આરોપી નિખંજ વ્યાસ દ્વારા પકડાયેલા બંને યુવકોને 15 20 હજાર રૂપિયા પગાર આપીને નોકરી પર રાખવામાં આવ્યા હતા. અગાઉ પણ તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં કોલ સેન્ટરના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ગુનામાં સામેલ મુખ્ય આરોપીને પકડવા માટે કૃષ્ણનગર પોલીસે અલગ અલગ ટીમ કામે લગાડી છે અને સ્થળ ઉપરથી મળી આવેલા લેપટોપ પેન ડ્રાઈવ અને મોબાઈલ ફોનમાં રહેલા ડેટાને ટેકનિકલ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
- Junagadh Violence: ધાર્મિક સ્થાનનો દબાણ દૂર કરતાં થયેલા બબાલ, એક વ્યક્તિનું મોત
- Rajkot Crime : 397 કિલો ગાંજો પકડવાનો કેસ, રાજકોટ કોર્ટે બે મહિલા સહિત 8 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારી