અમદાવાદ: મૂળ ઉત્તર પ્રદેશના અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા કેશભાન રાય નામના 59 વર્ષીય વેપારીએ આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઓઢવ ફાયર સ્ટેશન પાસે સચ્ચા સોદા નામથી પેટ્રોલ પંપ ધરાવે છે અને જમીન લે વેચ નો ધંધો કરે છે. વર્ષ 2018માં તેઓના વતન ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે ગયા હતા. ત્યાં તેઓને મનોજ કુમાર સિંહ નામની વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. તેઓ રેલવેના ક્લાસ વન અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેઓને મોટા-મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહ્યું હતું અને તે વખતે વેપારીએ પણ અમદાવાદ ખાતે પોતે પેટ્રોલ પંપ ધરાવતા હોવાનું અને જમીન લે-વેચનો ધંધો કરતા આવવાની વાત કરી હતી.
"આ અંગે ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ ઉત્તરપ્રદેશના હોવાથી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે."--જે.એસ કંડોરિયા ( ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ)
ઉદ્યોગ સાથે જોડાયેલા: જેથી તેણે વેપારીને ધંધા માટે રોકાણ કરવાની ઈચ્છા હોવા અંગે પૂછતા તેઓએ હા પાડતા થોડા દિવસો પછી મનોજકુમાર સિંહ અમદાવાદ આવ્યો હતો. તેઓની ત્રિવેણી કોમ્પલેક્ષની ઓફિસ આવીને મિટિંગ કરી હતી. વાત કરી હતી કે તેઓના ધ્યાનમાં એક રાશિદ ખલીલ નામનો ઉત્તર પ્રદેશનો વ્યક્તિ છે. જે ખનીજ અને ખનન ઉદ્યોગ સાથે જોડાયેલો હોય અને તે વ્યક્તિ ખૂબ જ હોશિયાર હોય અને તેની સાથે ધંધો કરવો હોય તો તે મદદ કરશે તેવી વાત કર્યા પછી ફરિયાદીને ધંધા અર્થે લખનઉ ગયા હતા. ત્યારે મનોજકુમાર સિંહ સાથે મુલાકાત થઈ હતી. તેમણે રાશીદ ખલીલ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે રાશિદ ખલીલે પોતે ખાણ ખનીજને લગતા ધંધાની વાતચીત કરી હતી. માઇનિંગ લાઈનના ધંધામાં જોડાવાથી ભવિષ્યમાં સારો એવો નફો મળવાનો અને વ્યાપાર ધંધો ખૂબ જ વિસ્તરશે તેવી વાત કરી હતી.
રોકાણ કરવાની લાલચ: રાશિદ ખલીલ અને મનોજ કુમાર સિંહ વેપારીની મુલાકાત મનીષ ઓઝા નામના વ્યક્તિ સાથે કરાવી હતી. મનીષ ઓઝા આદિત્ય બિલ્ડીંગ મટીરીયલ્સના માલિક અને ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રેલ્વે સ્ટેશન પાસે રહેતા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ખનનનો પટ્ટો રાજ્ય સરકાર પાસેથી મળ્યો હોવાની વાત કરી હતી. તેની સાથે કામ કરવાથી કમાણી થશે તેવું કહીને પૈસા કમાવવાની લાલચ આપી ભરોસો અપાવ્યો હતો. પોતે રાજ્ય સરકારમાં ટેન્ડર ભરી રેતી કાઢીને તેનું વેચાણ કરવાનો ભાડું પટ્ટો એક એટલે કે લીઝ મેળવી છે. તે માટે રાજ્ય સરકારને દર મહિને મોટી રકમ ચૂકવવાની થાય છે. તેવું કહીને મનીષ ઓઝાએ વેપારીને ધંધાને લગતા દસ્તાવેજો કાગળમાં બતાવ્યા હતા. વેપારીને વિશ્વાસમાં આવતા ધંધા માટે એક કરોડ 45 લાખ રૂપિયાની મૂડીનું રોકાણ કરવાની લાલચ આપી હતી.
લખનઉ ગયા હતા: વેપારીને તેઓને નિયમિત પૈસા આપવાની વાત કરતા તેમજ માલ ડમ્પ કરી વેચાણ કરવા માંગતા હોય તો તે અંગેની પણ વ્યવસ્થા કરવાની વાત કરી હતી. જેથી થોડા દિવસો પછી મનીષ ઓઝાએ વેપારીને ટેલીફોનીક સંપર્ક કરી અન્ય લોકો સાથે થયેલી મીટીંગ બાબતે વાતચીત કરી એક કરોડ 45 લાખ રૂપિયા મંગાવી લીધા હતા. જે બાદ વેપારીને મનોજસિંહ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે પોતે ક્લાસમાં અધિકારી છે. મનીષ ઓઝા સાથે ધંધો ચાલુ કરી મોટી રકમનું મૂડી રોકાણ કર્યું હોય જેથી મનીષ ઓઝા ભવિષ્યમાં તમારી સાથે કોઈ અયોગ્ય વર્તન ન કરે અને તમારી મૂડી સલામત રહેશે અને મનીષા ઓઝા તેઓના દબાણમાં રહે તે માટે તેઓને 20 લાખ રૂપિયા ચૂકવી આપવાની વાત કરતા વેપારીએ મનોજકુમાર સિનાના પત્નીના ખાતામાં 15 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પાંચ લાખ રૂપિયા પોતે લખનઉ ગયા હતા ત્યારે આપ્યા હતા.
ઠગાઈ થઈ હોવાનું ધ્યાને આવ્યું: ત્યારબાદ મનીષ ઓઝા મનોજસિંહ અને રાશિદ દ્વારા તેઓ તરફથી માલ ડમ્પ કરવા દેવામાં ન આવતા અને ધંધાની કમાણીનો કોઈપણ હિસ્સો કે રકમ તેઓને ન આપીને સંતોષકારક જવાબ પણ ન આપ્યો હતો. ખોટો દિલાસો આપતા હોય તેથી રાશિદ જિસાને તેઓની મુલાકાત સંજય કુમાર શ્રીવાસ્તવ નામના એક વ્યક્તિ સાથે કરાવી હતી. સંજય શ્રીવાસ્તવે રોકાણની રકમ ટૂંક સમયમાં પરત મળી જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ તે બાદ પણ તેઓને પૈસા ન મળતા બહાના બતાવવામાં આવતા હતા. અંતે વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
આરોપીની ધરપકડ:તમામ આરોપીઓએ ભેગા મળી વેપારી પાસેથી એક કરોડ 65 લાખ જેટલી રકમ મેળવી તેમજ 25 લાખનો માલ સામાન જપ્ત કરી કુલ 1 કરોડ 90 લાખ રૂપિયા મેળવી લીધા હતા. આદિત્ય બિલ્ડીંગ મટીરીયલ ખરા માલિક મધુબાલા મનીષ ઓઝા હોવાનું તેઓને ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ સમગ્ર મામલે અંતે ઓઢવ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.
- Ahmedabad Crime News : હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતીને સાથે જોઈને અસામાજિક તત્વોએ કર્યો હંગામો
- Ahmedabad Crime News : અમદાવાદના નરોડમાં યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેક વાર હવસનો શિકાર બનાવી