અમદાવાદઃ NCP નેતા શંકરસિંહ વાઘેલા ઈન્દિરા બ્રિજ પાસે સરણીયા લોકો રહે છે, જેમના ઘર આગળ દિવાલ ચણવામાં આવી હતી. આ સ્થળે રહેતા લોકોની મુલાકાત લેવા આવ્યા હતા. શંકરસિંહ સાથે NCPના નેતા રેશમા પટેલ પણ પહોંચ્યા હતા.
સરકારે ગરીબી ઢાંકવા કરતા ગરીબી હટાવવી જોઈએઃ શંકરસિંહ વાઘેલા - ડોનાલ્ડ ટ્રમ્પ
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં 22 કિમી સુધીનો રોડ શો યોજાવવાનો છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઈન્દિરા બ્રિજ પાસેના વસતા લોકોના ઘર આગળ દિવાલ બનાવવામાં આવી છે. આ અંગે દેશવ્યાપી વિવાદ સર્જાયો છે. ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલા સ્થળ તપાસ કરવા આવી પહોંચ્યા હતા.
શંકરસિંહે તમામ પરિવારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સરકાર દેશની ગરીબી છુપાવવા દિવાલ ઉભી કરી રહી છે. દેશના માટે આમ પણ કરોડોનું દેવું છે અને વિદેશથી આવતા મહેમાનોના સ્વાગત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જે યોગ્ય નથી. મહેમાનોનું સ્વાગત કરવું જરૂરી છે, પરંતુ તેના માટે કરોડોનો ખર્ચ કરવો જરૂરી નથી.
શંકરસિંહે જણાવ્યું હતું કે, સરકારે દિવાલ બનાવી તે ખોટી વાત નથી. પરંતુ સરકારે આ ગરીબ લોકો માટે પાક્કા મકાન જ બનાવવા જોઈએ. સરકાર પાક્કા મકાન બનાવે, તો ગરીબી છૂપાવવા દિવાલ બનાવવાની જરૂર ન પડે. હવે સરકારે જે ગરીબ લોકો ઝુપડામાં રહે છે, તેમને પાક્કા મકાન બનાવી આપવા જોઈએ.