અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2023-24નું બજેટ રજૂ થાય તે પહેલા આજે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર અમદાવાદ શહેરના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી હતી. સાથે વિપક્ષ દ્વારા પણ એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પણ બજેટ મંજુર થાય છે. તેમાંથી 100 ટકા કામ કરવામાં આવતા નથી.
ફાયર વિભાગની ભૂલથી યુવતી મૃત્યુ પામી :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ સત્તા પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું દર વર્ષે કોર્પોરેશનનું 1000 કરોડનું બજેટ હોય છે. પરંતુ ઈમરજન્સી સમયે જે સાધન ઉપયોગમાં આવવાના હોય તે ઉપયોગમાં આવતા નથી. તેજ ઘટના થોડા દિવસ પહેલા જ શાહીબાગમાં બની હતી. 17 વર્ષની છોકરી એ આગમાં બળીને મૃત્યુ પામી હતી. ફાયર વિભાગ દ્વારા સ્નોર સ્કેલ છે તે સમયે જરૂર હતી તે જ સમયે ખુલી ન હતી. જેના કારણે આ યુવતી મૃત્યુ પામી હતી. સ્નોર સ્કેલ 21 મીટર સુધી પહોંચી શકી ન હતી. હાલમાં અમદાવાદ કોર્પોરેશન પાસે 82 મીટરની 1 સ્નોર સ્કેલ અને 54 મીટરની 1 સ્નોર સ્કેલ છે.
AMC 18 ફાયર સ્ટેશન :વધુમાં જણાવ્યું હતું કે. એક લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ અમદાવાદ શહેરની વસ્તી 1 કરોડથી પણ ઉપર છે, ત્યારે અમદાવાદ શહેરમાં માત્ર 18 જ ફાયર સ્ટેશન આવી રહ્યા છે. એક બાજુ અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં 100 મીટરથી પણ ઊંચી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ એ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવે તેવી માંગ છે.
પ્રદૂષણને કારણે 200 કરોડનું નુકસાન :વિપક્ષ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ અનેકવાર સાબરમતી મુદ્દે કોર્પોરેશનને ફટકાર પડી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પાસે સાબરમતી નદીના પાણીને સુધારવાનો કોઈ જ પ્લાન નથી. કોતરપુર, ચિલોડા જેવા વિસ્તારમાંથી ગટરનું પાણી સાબરમતીમાં છોડવામાં આવે છે. જેના કારણે કોર્પોરેશન દ્વારા 50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ફ્રેન્ચ વેલ બંધ થઈ ગયા છે. જ્યારે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા 150 કરોડના ખર્ચે કોતરપુરમાં નવો MLD પ્લાન બનાવવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રદૂષણના કારણે જ 200 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે કોંગ્રેસની માંગ છે કે નદીની આસપાસ આવેલી કંપનીઓના કેમિકલ વાળા પાણી તેમજ ગટરના પાણી સાબરમતી નદીમાં ઠાલવતા અટકાવવામાં આવે.