મૃતક નયન ICICI બેંકની તલાલા બ્રાંચમાં ફરજ બજાવતા હતા, અને ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેમના ભાઈ જયેશ રામ સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતા હતા. જયેશ તે દિવસે સવારે નયનને ઓફિસે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ દોડી રહેલી BRTSએ તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એવી ભયાનક હતી કે, ઘટનાસ્થળ પર જ બંનેના મોત થયા હતા. બંને મૃતકો સગા ભાઈ હતા અને તેમના પિતા હીરાભાઈ રામ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે.
BRTS હિટ એન્ડ રન: કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા
અમદાવાદ: 21મી નવેમ્બરે વહેલી સવારે પાંજરાપોળ પાસે BRTSએ અડફેટે લીધેલા બંને ભાઈઓના મોતના કેસમાં શનિવારે કોર્ટે આરોપી ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિના જામીન ફગાવ્યા હતા. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, ગુનો ગંભીર હોવાથી જામીન આપી શકાય નહીં. કોર્ટે આરોપીના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવતીકાલે પોલીસ ઘટનાનું નાટ્ય રૂપાંતર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અકસ્માત
મળતી વિગતો અનુસાર, બાઈક ચાલક જયેશ રામે હેલ્મેટ પહેર્યું હોવા છતાં આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ બંને ભાઈઓના મૃતદેહ એક કલાક સુધી રસ્તા પર પડી રહ્યાં હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, પોલીસે ઘટનાસ્થળે પહોંચવામાં ઘણું મોડું કર્યું હતું. બીજી તરફ મૃતકોના મોબાઈલ ફોન લોક હોવાથી તેમના પરિવારજનોને સંપર્ક કરવામાં લોકોને મુશ્કેલી પડી હતી.