અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના ભાઈના મિત્રએ જ તેની સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી અલગ અલગ સમયે હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે બાદ યુવતીના પરિવારજનોને આ અંગે જાણ થતાં યુવતીએ યુવક સાથે સંબંધ રાખવાની ના પાડતા તેણે યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. જેથી આ સમગ્ર મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ભાઈના મિત્રએ આચર્યું દુષ્કર્મ:25 વર્ષીય જાગૃતિ (નામ બદલેલ છે) એલિસબ્રિજ ખાતે આવેલી એક સેવા સંસ્થામાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. જાગૃતિનો મોટો ભાઈ પ્રાઇવેટ નોકરી કરતો હોય ત્યારે તેની ચાલીની નજીકમાં એક ચાલીમાં રહેતો ભુપેન્દ્ર પરમાર જાગૃતિના ભાઈનો મિત્ર હોવાથી તે તેના ઘરે અવારનવાર અવર જવર કરતો હતો. ભુપેન્દ્ર પરમાર કુંવરબાઈનું મામેરુ, મેરેજ સર્ટી તેમજ પેન્શનને લગતા ફોર્મ ભરવાનું અને અન્ય સરકારી યોજનાઓનું કામ કરતો હતો. જાગૃતિની ભાભીના કુંવરબાઈના મામેરાનું ફોર્મ પણ ભરી આપ્યું હતું અને મેરેજ સર્ટિફિકેટ પણ કઢાવી આપ્યું હતું. જેના કારણે જાગૃતિ અને ભુપેન્દ્ર વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. 7 ડિસેમ્બર 2022ના રોજ ભુપેન્દ્રએ જાગૃતિને વ્હોટ્સએપ પર મેસેજ કરીને પ્રપોઝ કરી હતી. જો કે જાગૃતિએ ના પાડતા ભુપેન્દ્રએ પોતે હાલમાં સરકારી નોકરીની તૈયારી કરતો હોય નોકરી મળ્યા બાદ જાગૃતિના ઘરે જાણ કરી તેની સાથે લગ્ન કરશે તેવી વાત કરતા જાગૃતિએ તેને હા પાડી હતી. જે બાદ અવારનવાર બંને વચ્ચે વાતચીત અને મુલાકાત થતી હતી.
લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ: 7મી જાન્યુઆરી 2021ના રોજ જાગૃતિનો જન્મદિવસ હોય તે દિવસે તે પોતાના ઘરેથી નોકરીએ જવા નીકળી હતી. ત્યારે ગોમતીપુર પાસે ભુપેન્દ્ર પરમાર હાજર હતો. તેણે જાગૃતિના જન્મદિવસની ઉજવવાનો હોવાનું કહીને તેની પાર્ટી ઉસ્માનપુરા ખાતેની હોટલમાં રાખી છે, અને પોતાના મિત્રોને ત્યાં બોલાવ્યા છે, તેવું કહીને જાગૃતિને ઉસ્માનપુરાની હોટલમાં લઈ ગયો હતો. જ્યાં ભુપેન્દ્ર દ્વારા આખો રૂમ ડેકોરેટ કરાવ્યો હતો, જોકે ત્યાં તેનો કોઈપણ મિત્ર આવ્યો ન હતો. રૂમમાં લઈ જઈને ભુપેન્દ્રએ જાગૃતિને તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને લગ્ન કરવાની લાલચ આપી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને જાગૃતિ સાથેના ફોટા પાડ્યા હતા. જે બાદ બંને છૂટા પડ્યા હતા.
બહાના બનાવી શરીર સંબંધ બાંધ્યો: જેના 10 દિવસ પછી જાગૃતિ નોકરી જવા માટે નીકળી હતી, ત્યારે ફરિવાર ભુપેન્દ્ર પટેલ તેને મળ્યો હતો અને સરકારી નોકરીની તૈયારી માટે ઉપયોગી મટીરીયલની નોટસ બનાવવાની હોય બીજા મિત્રો ઉસ્માનપુરા હોટલે આવવાના છે. તેવું કહીને જાગૃતિને મદદ કરવાનું કહીને હોટલ ખાતે લઈ ગયો હતો. તે દિવસે પણ ભુપેન્દ્રના કોઈપણ મિત્રો ત્યાં ન આવ્યા હતા અને તે વખતે પણ ભુપેન્દ્રએ જાગૃતિ સાથે શરીર સંબંધ બાંધવાનું કહેતા જાગૃતિએ ના પાડતા તેણે લગ્ન કરવાના છે તેવું કહીને શરીર સંબંધ બાંધ્યો હતો.