અમદાવાદઃ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફે રજૂ કરાયેલી વિગતો પ્રમાણે 1લી એપ્રિલ 2018થી 515 દિવસના સમયગાળા સુધીમાં ગુજરાતમાં કુલ 3.15 લાખ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ કેસમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડા પર કરાતી રેડ અન દારૂ લઈ જતા વાહનોને કબ્જે કરવાના કેસ સામેલ છે. પ્રોહિબિશનને લગતા 3.15 લાખ કેસ પૈકી 25,891 કેસમાં આરોપીઓની ધરપકડ થઈ શકી નથી.
પ્રોહિબિશનના ગુનાની રેડમાં રોજના 50 કેસમાં બુટલેગરો ફરાર ચાર શહેર પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં 1લી મે 2018થી 30મી સપ્ટેમ્બર 2019 સુધીના આ સમયગાળામાં પ્રોહિબિશનને લગતા કુલ 81,523 કેસ નોંધાયા હતા જે પૈકી 1,285 જેટલા કેસમાં પોલીસ બુટલેગરોને પકડી શકી નથી. પાછલા દોઢ વર્ષમાં બૂટલેગરોને પકડવામાં નિષ્ફળ રહેલા કુલ 20 જેટલા ગુનામાં કુલ 47 જેટલા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢના બુટલેગર દ્વારા હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીના જવાબમાં રાજ્ય સરકાર તરફે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે દારૂના અડ્ડા પર રેડ પાડી હતી, પરંતુ આરોપી બુટલેગર ફરાર થઈ ગયો હતો. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. એચ. વોરાએ આ કેસમાં નોંધ્યું હતું કે, પોલીસ દ્વારા ઘણી FIR આ રીતે ડિઝાઈન કરવામાં આવે છે. જેમાં દારૂના અડ્ડા પર રેડ દરમિયાન દારૂ ઝડપાઈ જાય છે, પરંતુ બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ જાય છે. જજે આ મુદ્દે રાજ્ય સરકારને વધુ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓને દારૂના અડ્ડા પર રેડ, મુદ્દામાલની કિંમત, કેટલા બુટલેગરો રેડ દરમિયાન સ્થળ પરથી ભાગી છૂટ્યા સહિતની વિગતો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.