અમદાવાદઃ અભિનેતા મનોજ જોશીએ ETV BHARATને જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. માઁ ભગવતીને ચરણે એક જ પ્રાથના કે આ રાષ્ટ્રને, ભારતને આપણને સૌને કોરોનાની મહામારીમાં ઉગારી લે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણવાર ટીવી પર આવીને કહ્યું છે કે, તમારા ઘરના ઉંબરે લક્ષ્મણ રેખા દોરી દો. બહાર ન જાવ… બહાર ન જાવ… રોડ પર ન નીકળો. એક જણ વાઇરસનો શિકાર બનશે તો આખા રાજ્યને ભરખી જશે. આખા રાષ્ટ્રને ભરખી જશે. માટે ઘરમાં રહો સુરક્ષિત રહો.
કોરોના સામેનું યુદ્ધ ઘરમાં જ રહીને લડોઃ અભિનેતા મનોજ જોશી - કોવિડ-19
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. લેટેસ્ટ અપડેટમાં 26 માર્ચ સવારે ગુજરાતમાં કુલ 43 કેસ નોંધાયા છે અને ત્રણ વ્યક્તિના મોત થયા છે. રાજ્યના દરેક નાગરિકે સાવચેતી રાખવાની જરૂર છે. અભિનેતા મનોજ જોશી આપણને અપીલ કરી રહ્યા છે કે, કોરોના મહામારીને જીતવા માટે ઘરમાં જ રહો. કોરોના સામેનું યુદ્ધ ઘરમા જ રહીને લડો.
કોરોનાની મહામારીને મારવા એક જ મંત્ર છે એક જ શસ્ત્ર છે કે, તમે ઘરમાં બેસી રહો અને આ વાઇરસ વિરૂદ્ધ લડો. આપણા ધર્મગ્રંથોએ કહ્યું છે કે ધીરજ રાખો. કબીર સાહેબ કહ્યું છે કે ‘બહોત ગઈ થોડી રહી… વ્યાકૂળ મન મત હોવે… ધીરજ સબકા મિત્ર હૈ, કરી કમાઈ ન ખોવે.’ દરેક માનવી કષ્ટ સહન કર્યું છે. આપણા મનને સમજાવો. જો તમે થોડીક ઉતાવળ કરશો ને જીવન સમાપ્ત થઈ જશે.
મનોજ જોશીએ વધુમાં કહ્યું હતું કે ઈટાલીમાં મૃત શરીરને ઉપાડવા કોઈ સગાં જતાં નથી. મીલીટરીની ગાડી જઈને તેમના અંતિમસંસ્કાર કરે છે. રાજ્ય સરકાર અને ભારત સરકાર જે સૂચના આપે છે તેનું પાલન કરો. જીવનજરૂરી ચીજવસ્તુઓ આપણને મળવાની છે. હું આપને હાથ જોડું છું, કે આ યુદ્ધને ઘરમાં રહીને જ લડો.