- રામ મંદિર નિધિ સંચય અભિયાનમાં ભાજપ જોડાશે
- રામ મંદિરના નિર્માણમાં ભાજપની ભૂમિકાને લોકો સુધી લઇ જવાશે
- આગામી ચૂંટણીઓમાં ભાજપને આનો લાભ મળશે
અમદાવાદ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થોડા દિવસ અગાઉ રામ મંદિરના નિર્માણ માટે નિધિ સંચય સંપર્ક અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ ઉતરાયણથી લઈને માઘ પૂર્ણિમા સુધી એટલે કે, લગભગ 25 દિવસ આ સંપર્ક અભિયાન ચાલશે.
65 કરોડ હિન્દુઓના સંપર્કમાં આવવાનું લક્ષ્ય
વિશ્વ હિન્દુ પરિષદના 40 લાખ કાર્યકર્તાઓ આ માટે દેશભરમાં ભ્રમણ કરીને ગામે-ગામ જઈને નિધિ સંચય કરશે. આ દરમિયાન તેઓ 65 કરોડ જેટલા હિન્દુઓના સંપર્કમાં આવે તેવી શક્યતાઓ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ જાહેર કર્યું છે કે, તે વિશ્વ હિન્દુ પરિષદના આ સંપર્ક અભિયાનમાં જોડાશે.
રામ મંદિર નિર્માણના નિધિ સંચયમાં ભાજપ જોડાશે ભાજપનો સીધો પ્રચાર થશે
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ, ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે ભગિની સંસ્થાઓ છે. આ નિધિ સંચયમાં ભાજપના જે-તે જિલ્લાના પ્રમુખો જોડાશે. ગામડાઓમાં અને શહેરના જુદા-જુદા વોર્ડમાં પેજ પ્રમુખો પણ તેમાં જોડાશે. આમ જ્યારે ભાજપની સરકાર રામ મંદિર નિર્માણની પોતાનું નેમ પુરી કરવા જઈ રહી છે, ત્યારે પ્રચાર પણ થશે તે સ્વાભાવિક છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને લાભ મળશે
ગુજરાતમાં 18,600 કરતાં વધુ ગામડાઓમાં ભાજપના કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો લોકોને મળશે. રામ મંદિર નિર્માણમાં ભાજપના કાર્યોની વાત કરશે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ સૌથી મોટુ સંપર્ક અભિયાન હશે. ચોક્કસ જ આમ થવાથી ભાજપને ચૂંટણીઓમાં સીધો લાભ થશે.