અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં મોટીવેશન, વિઝન, એક્શનનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમણે “આત્મનિર્ભર ભારત”નો નવો સંકલ્પ દેશવાસીઓ સમક્ષ મુક્યો છે. જેમાં પાંચ બાબતોને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, ડેમોગ્રાફી, ડીમાન્ડ વધારવા અને તેને પૂરી કરવા પર ભાર મુક્યો છે. આ સાથે જ સપ્લાય ચેઈન વધુ મજબૂત અને આધુનિક બનાવવાનું કહ્યું છે. ભારતના દરેક ક્ષેત્ર, દરેક વર્ગ માટે રુપિયા 20 લાખ કરોડના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરીને દેશવાસીઓને આત્મબળ, આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવાની તેમજ સહયોગ આપવાની અપીલ કરી છે. આ ભવ્ય પેકેજને ભાજપ આવકારે છે.
વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા આર્થિક પેકેજને ગુજરાત ભાજપે આવકાર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજ તથા તેમણે મૂકેલા ''આત્મનિર્ભર ભારત''ના સંકલ્પ વિશે ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. ભાજપે આ પેકેજને આવકાર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા આર્થિક પેકેજ અંગે ભરત પંડ્યા અને જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના 130 કરોડ નાગરિકોના સહયોગથી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ તકને ભારતવાસીઓએ ઝીલી લેવી જોઇએ. લોકલ માટે વોકલ બનીએ. એટલે કે સ્વદેશી પેદાશો માટે વધુ પ્રચાર-પ્રસાર કરીએ. તેમજ લોકડાઉન-૪ની જાહેરાત સાથે નિયમોનું પાલન કરીને કોરોના સાથે જીવન જીવતા શીખીએ તેમ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું.