અમદાવાદઃ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા હતા. જે બાદ 92 વર્ષીય કેશુભાઈને ગાંધીનગર ખાતે તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભાજપે કેશુભાઈ પટેલ જલ્દી કોરોનાને માત આપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આઝાદી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે કેશુભાઈ જોડાયા હતા. ત્યારબાદ 1980થી 30 વર્ષ સુધી તેમને ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા અને ગુજરાતના મુખ્યપ્રધાન પણ બન્યા હતા, પરંતુ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભાજપ સાથે છેડો ફાડી ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. તેમને વિસાવદર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતો. પોતાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને સક્રિય રાજકારણ છોડી દીધું છે અને પોતાના પદ પરથી રાજીનામુ પણ આપ્યું હતું. ગુજરાત પરિવર્તન પાર્ટીનું વિસર્જન કરીને તેમને હાલ ગાંધીનગરમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.